- તાજેતરમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક ઝડપ્યું હતું
- પકડાયેલા કુલ 5 આરોપીઓ પૈકી 3ના જામીન નામંજૂર, 2 ડોક્ટરોને શરતી જામીન
- ડોક્ટરોએ કોવિડ હોસ્પિટલમાં CMOની દેખરેખ હેઠળ 15 દિવસ સેવા આપવી પડશે
સુરત: રેમડેસીવીરની કાળાબજારી કરનારા આરોપીઓને સુરત કોર્ટે અનોખી સજા આપી છે. સુરતમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરનારા 5 પૈકી 3 આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. જ્યારે 2 આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ સાથે જ કોર્ટે જામીન મુક્તિ માટે કેટલીક શરતો પણ મૂકી છે. જેમાંથી એક શરત એ છે કે, જામીનમુક્ત થનારા આરોપીઓએ નવી સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલમાં 15 દિવસ કોરોના વોરિયર બનીને સેવા આપવાની રહેશે.
કોરોના મહામારીમાં આમ પણ ડોક્ટરોની અછત છે: કોર્ટ
સુરત ક્રાઈમ બ્રાન્ચે રેમડેસીવીરની કાળાબજારી કરનારા કુલ 5 આરોપીઓ જેમાં બે ડોક્ટર ઉપરાંત આરોપી જેનિશ કાકડિયા, ભદ્રેશ નાકરાણી અને જૈમિશ જીકાદરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી જૈનિશ કાકડિયા તેના સાગરિતો સાથે રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરી રહ્યો છે. આરોપી જેનિશનો પીછો કરીને પોલીસે 3 ઇન્જેક્શન કબજે લીધા હતા. આ ઇન્જેકશન ભદ્રેશ નાકરાણી પાસે 39 હજારમાં લીધા હોવાનું કબૂલ્યું હતું. આ રૂપિયા એપ્લિકેશન મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં ઉમેર્યું હતું કે, કોવિડ સ્થિતિમાં આમેય ડોકટરોની અછત છે, જામીન પર મુકત કરાય તો આરોપીઓ કોરોના દર્દીઓની સારવાર કરી શકે છે.
સિવિલ હોસ્પિટલના CMOને તમામ જવાબદારી સોંપાઈ
જામીન મુક્ત થયેલા આરોપીઓ ડોક્ટર સાહિલ ઘોઘારી અને ડો. હિતેશ ડાભીએ 30મી એપ્રિલથી સિવિલ કોરોના વોર્ડમાં સેવા આપવાની રહેશે. બંને ડોક્ટરોએ 14મી મે સુધી એટલે કે 15 દિવસ રોજ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી કરવાની રહેશે. કોર્ટે આ માટે સિવિલ હોસ્પિટલના CMOને તમામ જવાબદારી સોંપી છે. કયાં પ્રકારનું કામ લેવું?, ક્યા વોર્ડમાં મોકલવા? તે અંગેનો નિર્ણય તેઓ લેશે. આ ઉપરાંત તેમની રોજની કામગીરી નોંધવાની રહેશે અને એક રિપોર્ટ કોર્ટને આપવાનો રહેશે. જેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે કે, આરોપી ડોકટરોએ તેમને સોંપવામાં આવેલી કામગીરી બરાબર કરી કે નહીં.