સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓને કાયમી ક્લાર્ક ગત રોજ દસ જેટલી મહિલાઓની ફીઝીકલ ટેસ્ટ ગાયનેક વિભાગ દ્વારા લેવામાં આવી હતી. જેમાં કેટલીક મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરાઈ હતી, જ્યારે અપરણિત યુવતીને પ્રેગનેન્સી જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાની રાવ સાથે પીડિત મહિલાઓએ સુરત કર્મચારી મહામંડલને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં દસ જેટલી મહિલાઓએ કરેલી ફરિયાદ બાદ મનપા કમિશ્નરને યુનિયનના મંડળ દ્વારા લેખિતમાં રજુવાત કરાતા તપાસના આદેશ આપવામાં આવ્યા.
સુરત મનપા દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી છે. જેમાં પંદર દિવસમાં તપાસ કરી રિપોર્ટ મનપા કમિશનરને સોંપવા આદેશ કરવામાં આવ્યા છે. જો કે તંત્ર સમગ્ર ઘટના પર પડદો પાડવા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. તપાસ માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરી કસુરવારો સામે કડક પગલાં અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સુરત કોંગ્રેસ દ્વારા સ્મીમેર હોસ્પિટલ માં ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. કોંગ્રેસી કાર્યકર્તા અને મહિલા કાર્યકરો હાથમાં પ્લે- કાર્ડ લઈ વિરોધ કરતા જોવા મળ્યા હતા. જો કસુરવારો સામે કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે ઉગ્ર લડત ચલાવવાની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.