- સુરત ટેકસટાઇલ ઉદ્યોગને સારી રીતે ઓળખનાર દર્શના જરદોશ પાસે આશાઓ વધી
- સ્થાનિક સાંસદ સાથે જ્યારે ટેકસટાઇલ મંત્રાલયમાં બેસે ત્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે
- વેપારીઓ પેપર વર્કમાં જ વધારે સમય પસાર કરી રહ્યા છે, વેપાર કરવા માટે સમય મળતો નથી
સુરત: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ મહિલા સાંસદને ટેકસટાઇલ મંત્રાલયમાં સ્થાન મળ્યું છે. સુરતના સાંસદ દર્શના જરદોશ(Surat MP Darshana Jardosh) ટેક્સટાઇલના રાજ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ત્યારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની આશા બમણી થઇ છે. સુરત વિશ્વમાં 'ટેક્સટાઇલ હબ' (Textile hub) તરીકે ઓળખાય છે. ત્યારે આ ઉદ્યોગ અનેક સમસ્યાઓથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કાપડના વેપારીઓને આશા છે કે, હવે સ્થાનિક સાંસદ જ્યારે ટેકસટાઇલ મંત્રાલય (Ministry of Textiles)માં બેસે ત્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે.
સ્થાનિક સાંસદ સાથે જ્યારે ટેકસટાઇલ મંત્રાલયમાં બેસે ત્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે
મંદી (Recession), નોટબંધી (Demonetization) અને GST બાદ કોરોના કારણે ટેકસટાઇલ ઉદ્યોગની સ્થિતિ કફોડી બનાવી દીધી છે. અનેકવાર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશન દ્વારા ટેકસટાઇલ મંત્રાલયને પત્રો લખી અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ઘણી રજૂઆતો આજદિન સુધી પૂર્ણ થઇ નથી. કોરોના ફેઝ 2(Corona Phase 2)માં ટેક્સ્ટાઇલ ઉદ્યોગને પંદર હજાર કરોડથી પણ વધુનો ફટકો લાગ્યો છે. હવે ઉદ્યોગને નવી આશા જાગી છે કારણ કે સુરતના મહિલા સાંસદે હવે ટેક્સ્ટાઇલ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે.
આ પણ વાંચો: સુરતના સાંસદ દર્શના જરદોશની મોદી કેબિનેટ 2.0માં પસંદગી, ટેક્સટાઈલ અને રેલવે વિભાગનો હવાલો સોંપાયો
સુરત ટેકસટાઇલ ઉદ્યોગને સારી રીતે ઓળખનાર દર્શના જરદોશ પાસે આશાઓ વધી
17 વર્ષ પહેલા સુરતથી સાંસદ રહી ચૂકેલા કાશીરામ રાણા (Kashiram Rana) બાદ કોઈ સાંસદ ટેકસટાઇલ મંત્રાલયમાં બિરાજમાન થયા છે. ત્યારે આશાઓ બે ગણી વધી ગઈ છે. સૌથી અગત્યની વાત આ છે કે, પહેલી વાર કોઈ ગુજરાતી મહિલા સાંસદ ટેકસટાઈલ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે. ત્યારે સુરત ટેકસટાઇલ ઉદ્યોગને સારી રીતે ઓળખનાર દર્શના જરદોશ પાસે આશાઓ વધી ગઈ છે. અગાઉ સંસદમાં તેઓએ અનેક વખત ટેક્સટાઇલને લઇને પ્રશ્નો પણ ઉઠાવી ચૂક્યા છે.
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સ્વર્ણિમકાળ આવશે
ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે,
'17 વર્ષ બાદ કાશીરામ રાણા બાદ સુરતથી દર્શના જરદોશને જ્યારે રાજ્યકક્ષાના ટેક્સટાઈલ અને રેલવે મંત્રાલય મળ્યું છે તેના કારણે વેપારીઓમાં ખુશીની લહેર છે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે આ સારા સમાચાર છે. GST અંગે અનેક પ્રશ્નો અમે ઉપર સુધી પહોંચાડતા હતા પરંતુ અનેકવાર અમારી વાતો દબાઈ જતી હતી. સ્થાનિક સાંસદ જ્યારે પ્રધાન બને તો વાત સારી રીતે રાખી શકશે. દર્શનાબેન ટેક્સટાઇલ ઉદ્યોગને સારી રીતે ઓળખે છે'
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,
'ઘણા વર્ષોથી અમારી માગ છે કે, સુરતને ટેક્સટાઇલ યુનિવર્સિટી મળે જેથી સ્કિલ ડેવલોપમેન્ટ થાય. જેથી આવનારી પેઢીઓ ટેક્સટાઇલથી પ્રશિક્ષિત થાય. ગારમેન્ટ જોબ માટે અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ. અમે દર્શનાબેન જરદોશને રજૂઆત કરીશું કે, જે ગારમેન્ટ આખા વિશ્વમાં સુરતથી જાય છે તો સુરતને 'ગારમેન્ટ હબ' બનાવવામાં આવે. બીજી વાત મંત્રાલય પીયૂષ ગોયલને મળ્યું છે તો બન્ને વચ્ચે ટ્યુનિંગ રહેશે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સ્વર્ણિમકાળ આવશે. રેલવે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ છે. બન્ને મંત્રાલય જો એક સાંસદને મળે તો અમારે માટે સારું છે. અમારા શ્રમિક મોટાભાગે બહાર રહે છે તો તેમના માટે લાભ થશે. વેપારીઓ પણ આવતા જતા હોય છે અને ગુડ્સ ટ્રેનના કારણે અન્ય રાજ્યોમાં માલ જાય છે'
GSTમાં સરળતા થાય
અન્ય વેપારી શ્રી બંકાએ જણાવ્યું હતું કે,
'17 વર્ષ બાદ કોઇ સાંસદને મંત્રાલય મળે તે ગર્વની બાબત છે તેઓ ઉદ્યોગને જાણે છે અને અમે અગાઉ પણ સમસ્યાની તેમને જાણ કરી છે. સૌથી અગત્યની વાત છે કે, GSTમાં સરળીકરણ થાય. જેથી ઉદ્યોગ આગળ આવી શકે. આ સાથે ઇન્કમટેક્સને લઈને પણ અનેક મુદ્દાઓ છે. હાલ જ જે નવો નિયમ આવ્યો છે તેના કારણે વેપારીઓ પેપર વર્કમાં જ વધારે સમય પસાર કરી રહ્યા છે. વેપાર કરવા માટે સમય મળતો નથી. રેલવે મંત્રાલયમાં પણ જે રાજ્યકક્ષાનું પદ મળ્યું છે તેના કારણે અમે આશાસ્પદ છીએ કે, તેઓ ગુડ્સ ટ્રેન અને વધારે ટ્રેન ચલાવવા માટેની વાત અમારી સમજી શકશે'
આ પણ વાંચો: Expansion of the Cabinet: મોદી પ્રધાનમંડળમાં સાત મહિલા સાંસદોને મળ્યુ સ્થાન
ઇન્દિરા ગાંધી બાદ સૌથી વધુ મત મેળવનાર સાંસદ
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી કોઈ મહિલા સાંસદે સૌથી વધુ જીત મેળવી હોય તો તે સુરતના સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Zardosh ) છે. આજે બુધવારે મોદી સરકારે ( PM Narendra Modi Cabinet )તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું છે. તેઓને ટેક્સટાઈલ અને રેલવે વિભાગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. સુરતથી તેઓ 3 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતની પ્રથમ મહિલા સાંસદ છે. પાટીદાર આંદોલન વખતે તેઓએ ભારે વિરોધ વચ્ચે પણ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કર્યો હતો.
દર્શના જરદોશે લોકસભા 2009 ચૂંટણીમાં 75.79 ટકા મત મેળવ્યા
દર્શના જરદોશે લોકસભા 2009 ચૂંટણી દરમિયાન સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. આ સમયે તેમણે ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 મતથી જીત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી બીજા સ્થાને સૌથી વધુ લીડ મેળવી હતી. 2014ની ચૂંટણી દરમિયાન દેશમાં 4થા ક્રમની સૌથી વધુ લીડ તેમણે મેળવી હતી. તેમણે 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.
2019 વર્ષમાં 74.41 ટકાની લીડ મેળવી
વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં દર્શના જરદોશ 5,48,130થી વધુ મત મેળવી ચૂક્યા છે. આમ, તેમણે 74.41 ટકાની લીડ મેળવી હતી. સુરત મહિલા નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર રહી ચૂકેલા દર્શના જરદોશે 1988થી રાજકારણની શરૂઆત કરી હતી. સુરતના વોર્ડ નંબર 8ની કમિટીના ઉપપ્રમુખ તરીકે શરૂઆત કરનાર દર્શના જરદોશ પ્રદેશ મહિલા મોરચામાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉધોગના પ્રશ્નોને પણ તેઓએ સંસદમાં ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય