સુરતઃ ગત વર્ષ સુધી દર વર્ષે લગભગ 2 લાખ ટન કેરીનો માલ ઉતરતો હતો. જ્યારે ચાલુ વર્ષે હવામાનમાં પલટાને કારણે 1 લાખ ટન જેટલો માલ પણ ઉતર્યો નથી. પરંતુ માત્ર 60-70 હજાર ટન કેરીનો માલ જ તૈયાર થયો છે. જેથી ચાલુ વર્ષે કેરીનો જથ્થો અને ક્વોલિટી બન્ને ન હોવાને કારણે યૂનિટો બંધ જ છે એટલે કે તેમને શરૂ જ નથી કરાયા. વળી આ કેરી પલ્પ બનાવા માટે જોઈએ એટલી પરિપક્વ પણ ન હતી અને જે ક્વોલિટીની જોઈએ એ ક્વોલિટી પણ કેળવી શકી ન હતી. જેથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રતિદિન 80 ટન પલ્પ નીકળી શકે તેટલી ક્ષમતા ધરાવતા પ્લાન્ટ APMCમાં સ્થપાયેલો છે જે હાલ બંધ છે.
ભૂતકાળમાં લગભગ 800 ટન કેરીનો પલ્પ બનાવામાં આવ્યો છે. જેમાંથી 50 ટકા માલ રશિયા, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો 50 ટકા માલ લોકલ રીતે ડિસ્ટ્રીબ્યુટી કરવામાં આવ્યો હતો. પલ્પ બનાવી એક્સપોર્ટ કરવાની શરૂઆત જૂન 2017માં કરવામાં આવી હતી અને પ્રથમ કન્સાઈનમેન્ટ અમેરિકા ખાતે મોકલવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે હજારો ટીન ભરીને વિદેશોમાં મોકલવામાં આવે છે. જો કે, આ પલ્પને લઈને હજી સુધી વિદેશમાંથી કોઈ ફરિયાદ આવી નથી.
સુરત APMC ચેરમેન રમણ જાનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયેલું છે, ત્યારે વિદેશમાંથી એક પણ જગ્યાએથી આ પલ્પની ડિમાન્ડ આવી નથી. મારા મતે ચાલુ વર્ષે માંડ 60-70 હજાર ટન કેરીનો માલ જ તૈયાર થયો છે. વળી એ પલ્પને માટે યોગ્ય ક્વોલિટીનો ન હતો. જેથી યૂનિટને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. કેરીના પલ્પને લઈને અમેરિકા, રશિયા અને કેનેડા જેવા દેશો સાથે આ વર્ષે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જો કે અન્ય પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.