સુરતઃ સેનામાં 19 વર્ષ ફરજ બજાવીને નિવૃત થઈ પોતાના વતન પરત ફરેલા ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના જવાનનું કીમ ખાતે ગ્રામજનો અને કીમ પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરાછી ગામના ખેડૂતપુત્ર અને સેનાના જવાન ધર્મેન્દ્ર આહીર સેનાની નોકરી દરમિયાન અલગ અલગ સરહદી વિસ્તારમાં ફરજ નિભાવી ચુક્યા છે.
ભારતીય સેનાના વીર જવાનો પોતાના પરીવારથી દુર રહી દેશની સેવા માટે હમેશા ખડે પગે રહે છે. દેશ માટે જીવ ન્યોચ્છાવર કરનારા અને બલિદાન આપનાર વીર જવાન જયારે સિંહની જેમ સરહદ પર ઉભા હોય છે, ત્યારે જ દેશમાં શાંતિ જળવાય છે. ઓલપાડ તાલુકાના ખેડૂતપુત્ર અને ભારતીય સેનાના સૈનિક ધર્મેન્દ્ર સેનામાં 19 વર્ષ પોતાની ફરજ બજાવી નિવૃત થઇ શનિવારે વતન પરત ફર્યા હતા. તેઓના વતન પરત ફરતા કીમના ગ્રામજનો અને કીમ પોલીસ દ્વારા તેમનું ફૂલોથી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યા હતું.
આજના યુગમાં જયારે લોકોના રોલ મોડલ ફિલ્મના અભિનેતા-અભિનેત્રી હોય છે, પરંતુ આજે કીમ અને આજુબાજુના ગામના યુવાનોના રોલ મોડલ હવે આ નિવૃત જવાન બની ચુક્યા છે. હાલ તો ગ્રામજનો જવાન ધર્મેદ્ર આહીરનું આગળનું જીવન સુખમય અને આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે આજે શનિવારે નિવૃતિની સાથે તેમનો જન્મદિન પણ હતો, કીમ ખાતે કીમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સેના જવાનને વધાવી લીધા હતા. નિવૃત સેનાજવાન હવે પોતાનો સમય ગામના યુવાનોને સેનામાં જોડાવા પ્રેરણા આપશે અને સેનામાં જોડાવવા માટે યુવાનોને જે કઈ પણ બનતી મદદ હોય તે કરશે.