સુરતઃ જિલ્લામાં કોરોના વૈશ્વિક મહામારી સામે પોતાના જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવામાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલિસ જવાનો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના સેનેટરી વિભાગના 1200 જેટલાં સફાઈકર્મીઓ કોરોના સંક્રમણને અટકાવવાં સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેકશનની કામગીરી ખંતપૂર્વક નિભાવી રહ્યાં છે.
નવી સિવિલ અને કોવિડ-19 હોસ્પિટલને સ્વચ્છ અને સુધડ રાખવાની પાયાની જવાબદારી વહન કરતાં આ કર્મયોગીઓ સેનિટાઈઝેશનની કામગીરી ઉપરાંત સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડ, ઓ.પી.ડી, કોવિડ વોર્ડની સાફ-સફાઈ, દર્દીઓની સારસંભાળ તેમજ દર્દીઓના બેડ સુધી ભોજન, પાણી, દવાઓ પહોંચાડવાની કામગીરી ખડેપગે નિભાવે છે. ઉપરાંત અશક્ત દર્દીઓને વ્હીલચેર પર ટોઈલેટ, બાથરૂમ સુધી લઈ જવા, બેડશીટ બદલવી, કપડાં બદલવવાં, દવા પીવડાવવી જેવી કામગીરી દર્દી પોતાના સ્વજન હોય તેવી સંવેદના સાથે કરી રહ્યા છે. તેઓ વેન્ટીલેટર મશીનો, તમામ મેડિકલ સાધનો, ડોક્ટર્સના ઇન્સ્ટ્રમેન્ટસની સાફસફાઈ પણ ખૂબ જ ખંતથી નિયમિત રીતે કરે છે.
આર.એમ.ઓ વિભાગ હેઠળ સેનેટરી ઓફિસના સર્વન્ટ, સ્વીપર, વોર્ડ બોય સિવિલના ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની જેમ તેઓ પણ અદના કોરોના વોરિયર્સ છે, જેઓ કોવિડ વોર્ડમાં દર્દીઓની સારવાર શુશ્રુષા માટે હંમેશાં હાજર રહે છે.
સિવિલ હોસ્પિટલમાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પરિમલ શર્માએ જણાવ્યું હતું કે, કોરોનાની સુરતમાં શરૂઆત થઈ અને સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસ આવ્યો એ સમયથી જ અમારા સેનેટરી વિભાગના 1200 કર્મચારીઓની ટીમ સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડની સાફ સફાઈ અને સેનેટાઈઝનું કામ કરે છે. કોરોનાથી નિધન પામેલા મૃતકોના પાર્થિવ શરીરને પણ પ્લાસ્ટિક બેગમાં ગોઠવવાનું કામ પણ અમારી ટીમના સભ્યો સંભાળી રહ્યાં છે. સરકારની ગાઈડલાઈન મુજબ પીપીઈ કિટ પહેરીને હોસ્પિટલના તબીબો, આરોગ્ય સ્ટાફ, દર્દીઓના પરિવારજનોની સુરક્ષા માટે સતત સેનિટાઈઝેશન, દવા છંટકાવ અને સાફસફાઈનું કાર્ય પણ અમારી ટીમ નિભાવે છે. આ ઉપરાંત હોસ્પિટલ બાયોમેડિકલ વેસ્ટના નિકાલનું કાર્ય પણ એટલી ચીવટથી ટીમ દ્વારા થાય છે. અમારા વિભાગના મહત્તમ કર્મચારીઓ રજા લીધા વગર સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે આ વિભાગના ચાર સેનેટરી ઇન્સ્પેકટરોની દેખરેખ હેઠળ આ તમામ કામગીરી સુવ્યવસ્થિત અને સમયસર થાય એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કોવિડવોર્ડમાં દર્દી એકલો જ હોય છે. રોગનું સંક્રમણ ન થાય તે માટે દર્દી પાસે પરિવારજનો આવી શકતા નથી કે રૂબરૂ મળી શકતા નથી. તેથી દર્દીને પોતાના પરિવારની હૂંફની ખોટ ચાલતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ પણ દર્દીની રોગ સામે લડવાની માનસિકતામાં ધટાડો થાય છે. આવા સમયે આ સફાઈકર્મીઓ દરેક દર્દીના પરિવારજનો બને છે તેમને માનસિક સંધિયારો આપે છે અને પોતાના અંગત સ્વજનની જેમ હૂંફ આપે છે, આમ અમારો પ્રત્યેક સફાઈકર્મી કોરોનાના દર્દીઓ માટે પરિવારજનની એક આગવી ભૂમિકા પણ અદા કરે છે.
સાફસફાઇના કાર્ય સાથે જોડાયેલા ઉપેશ રાઠોડે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ત્રણ મહિનાથી કોરોના પોઝિટિવ વોર્ડમાં ઝાડું, પોતા, સાફસફાઈ અને મેડિકલ વેસ્ટ નિકાલની કામગીરી કરૂ છું. અમે અમારી સલામતી માટે ફરજિયાત પીપીઈ કીટ, ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ પહેરીને કામ કરી રહ્યા છીએ. પરિવારમાં માતા પિતાને ચિંતા થતી હોય છે, પરંતુ લોકો અને દર્દીઓની સેવાનું કામ કરી રહ્યો હોવાથી પરિવાર પણ સહયોગ આપે છે. અહીનાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ અમને તેમના પરિવારજનો જેવાં ગણી સન્માન આપે છે, જે મને વધુને વધુ સેવા કરવાની પ્રેરણા આપે છે.