50 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મથુરાથી આ મુસ્લિમ પરિવાર સુરત આવ્યો છે. તેમણે સુરતના VIP રોડ પર 65 ફુટ અને 50 ફૂટના બે રાવણના પૂતળા બનાવ્યા છે. જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે ભગવાન રામ રાવણના પૂતળાનું દહન કરી શકે તે માટે મુસ્લિમ પરિવાર ખૂબ જ બારીકાઈથી પૂતળાને આખરી ઓપ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ મુસ્લિમ પરિવાર સુરતમાં આયોજિત આદર્શ રામલીલા ટ્રસ્ટના આયોજન માટે છેલ્લા 35 વર્ષથી સુરત આવે છે અને ખાસ રાવણના પૂતળાને બનાવે છે. આ મુસ્લિમ પરિવારનું કહેવું છે કે, જે રીતે હિન્દુઓ માટે આ પર્વ ખાસ હોય છે તેવી જ રીતે તેઓ માટે પણ આ પર્વ ખાસ છે. કારણ કે ભગવાન રામ રાવણનો વધ કરે છે અને તે રાવણ તે પોતે તૈયાર કરે છે. આ રાવણનું પૂતળુ બનાવવા પાછળ કાગળની લાઈ, વાંસ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ આતશબાજી માટે સુતરી બૉમ્બ, કોઠી સહિત પૂતળામાં ફિટ કરવામાં આવે છે.
સુરતમાં ત્રણ સ્થળે મોટાપાયે રાવણ દહનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે અને તે પૂતળા આ જ મુસ્લિમ પરિવાર બનાવે છે. દશેરાના દિવસે શહેરમાં આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર 65 ફૂટ અને 50 ફૂટના બે ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે. તેથી રાવણના પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે, રાવણનું પૂતળું તૈયાર કરનાર 12 મુસ્લિમ અને 1 હિંદુ યુવક છે.
રાવણનું પુતળુ બનાવનાર મોહમદ કુરેશીએ જણાવ્યું હતું કે, હિન્દૂ-મુસ્લિમ વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર વર્ષોથી દશેરા પહેલા રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે. તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યો છે. આ મુસ્લિમ પરિવારના સૌથી વરિષ્ઠ સભ્ય હાજી બાબા પણ ભગવાન રામમાં આસ્થા રાખે છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષથી રાવણના પૂતળામાં જે આતીશબાજીની સામગ્રી હોય છે તે પોતે તૈયાર કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામ રાવણનું દહન કરે છે અને આ રાવણ તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવે છે અને તેમની આવનાર પેઢી પણ આ જરીતે રાવણ બનાવતા રહે અને ભગવાન રામ રાવણનું દહન કરતા રહે તેવી તેમની ઈચ્છા છે