સુરતઃ રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન ધંધા વેપારને આપેલી છૂટછાટો બાદ ગુરવારના રોજ વરાછા, કતારગામ જેવા વિસ્તારોમાં આવેલ હીરા કારખાનાઓ ફરી ધમધમતા શરૂ થયા છે. છેલ્લા બે માસથી બંધ પડેલા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે.
વરાછાના એકે રોડ પર આવેલ રામાપીર એન્ટરપ્રાઇઝ ડાયમંડ ફેકટરીમાં 21 મેના રોજ 50 ટકાના સ્ટાફ સાથે ફરી શરૂ થઈ હતી. સામાન્ય રીતે 600થી વધુ રત્ન કલાકારોનો સ્ટાફ ધરાવતી ફેકટરી માં માત્ર 225 જેટલા રત્ન કલાકારોને બોલાવી હીરાનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરાયુ હતું. જ્યાં રત્ન કલાકારોને પણ રોજીરોટી મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં ગુરવારથી શરૂ થયેલા હીરા કારખાનાઓમાં રાજ્ય સરકારની ગાઈડ લાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને સેનેટાઇઝરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યાં રત્ન કલાકારોએ પણ બે મીટર સુધીનું અંતર જાળવી માસ્ક પહેરી કામ કરતા જોવા મળ્યા હતા.
સુરતમાં નાના મોટા મળી કુલ પાંચ હજારથી વધુ હીરા કારખાનાઓ આવેલ છે. જ્યાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા હીરા કારખાનાઓ અને સેઈફ વોલ્ટ ગુરવારથી ફરી ધમધમતા થતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ રાહત અનુભવી છે.