સુરત: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. સુરતના આશાદીપ ગ્રુપના 46 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી રાજ્યમાં સૌથી સારું પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ બન્યા છે. પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ માસ્ક પહેરી શાળાએ પહોંચ્યા હતા અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખી ખુશી વ્યક્ત કરી હતી.
ગત વર્ષની સરખામણીમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ગણિત અને અંગ્રેજીએ વિદ્યાર્થીઓને રડાવ્યા છે. આશાદીપ શાળાના ડિરેકટર મહેશ રામાણીએ જણાવ્યું હતું કે, આ વખતે NCRT અને MCQ નહીં હોવાના કારણે પરિણામ સારું આવ્યું નથી. ખાસ બે વિષયમાં વિદ્યાર્થીઓનું પરિણામ ખુબ જ ઓછું આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં A1 ગ્રેડમાં સુરત મોખરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 74.66 ટકા છે.
સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.99.97 પર્સનટાઈલ મેળવનાર અભી ખેવડીયાએ જણાવ્યું હતું કે, પરિણામ પાછળ શિક્ષક અને વાલીઓનું ખૂબ જ મોટું યોગદાન છે. અમે ટોપર છીએ જેથી અમને દેશનું સારું નાગરિક બનવું જરૂરી છે.જેથી દેશની પ્રગતિ થાય.હવે ન્યુરોલોજીસ્ટ બનવાનું લક્ષ્ય છે.
99.95 પરસનટાઈલ લાવનાર પૂજા રામાણી એ જણાવ્યું હતું કે, ધોરણ 9ના વેકેશનથી જ ભણવાનું શરૂ કર્યું હતું. ઘરમાં ટીવી ચાલુ રહી નથી અને સોશ્યલ મીડિયાથી પણ અમે દૂર રહ્યા છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ભણતર ચાલુ રાખ્યું હતું જેનું આ પરિણામ છે.