- આઈએમ હ્યુમન ટ્ર્સ્ટના કોવિડ સેન્ટરમાં ગરબા
- બારડોલી અને આસપાસના દર્દીઓની થઈ રહી છે સારવાર
- નવરાત્રિના દિવસોમાં ગરબા કરી તણાવ ઘટાડવા પ્રયાસ
બારડોલી: બારડોલીના શિવાજી ચોક ખાતે કાર્યરત આઈ.એમ.હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્રીન એપલ અને ગેલેક્સી કોવિડ સેન્ટર કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રાતદિવસ કાર્યરત છે. આ સેન્ટરમાં બારડોલી અને આજુબાજુના વિસ્તારના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. તેમને એકલતા ન લાગે અને માનસિક તણાવમાં ન આવી જાય તે માટે અહીંના તબીબો અને સ્ટાફ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. હોસ્પિટલમાં સેવા આપતાં ડોક્ટર ભાવિનકાંત ચૌધરી દ્વારા સંગીત થેરાપી અને અન્ય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ સતત કરાવવામાં આવી રહી છે. ત્યારે હાલ નવરાત્રિ ચાલી રહી હોય કોવિડ સેન્ટરમાં જ સ્ટાફ અને દર્દીઓ દ્વારા માતાજીનું સ્થાપન કરી આરતી અને ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
- પીપીઈ કિટ પહેરી ગરબા કરી રહ્યાં છે તબીબી સ્ટાફ
તમામ સ્ટાફ પી.પી.ઇ. કીટ પહેરી ગરબા રમી દર્દીઓનો તણાવ હળવો કરી રહ્યાં છે. આઈ. એમ. હ્યુમન સંસ્થાના પ્રમુખ હાર્દિપ પટેલે જણાવ્યુ હતું કે, અમારું કોવિડ સેન્ટર એક મંદિર જ છે. હાલ કોરોનાને કારણે અંધકારમય બનેલા જીવનમાં માતાજીના આરતીના દીવા થકી નવો પ્રકાશ અને નવી આશા ઉત્પન્ન કરવાનો અમારો પ્રયાસ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, હોસ્પિટલના તમામ સ્ટાફ અને દર્દીઓ દ્વારા વિશ્વમાંથી બીમારી જલદી દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં માતાના આશીર્વાદથી 9 વર્ષથી બાળકીથી લઈને 82 વર્ષના વૃદ્ધા સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
- સંગીત થેરાપીથી પણ દર્દીઓનો તણાવ દૂર કરવાનો પ્રયાસ
કોરોનામાં હોસ્પિટલમાં દર્દીઓએ પરિવારથી દૂર રહેવું પડતું હોય છે. પરિવારના કોઈ સભ્યો ન હોવાથી દર્દીઓ માંદગીના સમયે એકલતાનો અનુભવ કરે છે. ઘણી વખત તેઓ તણાવમાં ગરકાવ થઈ જતાં હોય છે. જેને કારણે તેમની હાલત ખરાબ થવાની સંભાવના રહેલી છે. ત્યારે આ કોવિડ સેન્ટરમાં તબીબો દ્વારા સંગીત થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેવા આપતાં ડોક્ટર ભાવિનકાંત ખુદ ફિલ્મી ગીતો ગાઈને દર્દીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે.