- ઘેર નૃત્ય હવે લુપ્ત થવાને આરે
- કેટલાક વડીલોએ હજી પરંપરા જાળવી રાખી છે
- ઘેર નૃત્યમાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરે છે
બારડોલી: આજની 21મી સદીના યુગમાં નવરાત્રિએ વૈશ્વિક રૂપ ધારણ કર્યું છે. નવરાત્રિમાં પ્રાચીન ગરબાની સાથે સાથે વેસ્ટર્ન સ્ટેપ્સનો ઉંમેરો થતા હવે ગરબામાં પણ અવનવા ફેરફાર થઈ રહ્યા છે. શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે. આવા સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું લોકનૃત્ય 'ઘેર' પણ લુપ્ત થવાના આરે આવીને ઉભું છે. આદિવાસી સમાજ પણ આધુનિકતા સાથે પગ મિલાવવામાં પાછળ નથી રહ્યો ત્યારે તેમના આ લોકનૃત્યને ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. તો નવી પેઢીને આવા નૃત્ય પ્રત્યે સુગ જોવા મળી છે. આના કારણે તેઓ આ લોકનૃત્ય શીખવા તૈયાર ન હોય આ નૃત્ય જાણતા લોકો માત્ર અમૂક જ ગામમાં બચ્યા છે, જેના કારણે હવે ઘેરૈયા નૃત્ય આગામી પેઢી માટે જોવા મળશે કે કેમ તે સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
આ પણ વાંચો- પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતા કુષ્માંડા, જાણો મા નવદુર્ગાના ચતુર્થ સ્વરુપનો મહિમા...
દક્ષિણ ગુજરાતમાં ઘેર નૃત્યનું અનેરું મહત્ત્વ છે
હાલ જયારે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ગામડા ગામની સંસ્કૃતિ સમાન ગણાતી ઘેરૈયાઓની પ્રથા આજે પણ યથાવત છે. દર વર્ષે નવરત્રિ પર્વ આવે એટલે ગામેગામ ઘેરૈયાઓ વિવિધ વસ્ત્ર આભૂષણો ધારણ કરી ગરબે ઘુમવા જાય છે. જે અનેરું આકર્ષણ ઉભું કરે છે.
આ પણ વાંચો- ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા તૈયાર કરાયું 'જગજનની' ગીત
અનોખી પ્રથા
ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું આગવું મહત્ત્વ છે. તેથી જ દરેક તેહવારોને અનોખા અંદાજથી અને ઉમંગથી ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવ બાદ હવે મા આદ્યશક્તિના નવલા નોરતાં ચાલી રહ્યા છે ત્યારે એક બાજુ યુવાધન આધુનિકતાને ઓપ આપવા ડીજેના તાલે ઝૂમી ગરબે રમી માતાજીની આરાધના કરે છે, તો ગામડાના આદિવાસી સમાજના લોકોમાં નવરાત્રિમાં અનોખી ભક્તિ કરવાની પ્રથા ચાલી આવી છે. ખરેખર ગામડાની આગવી ઓળખ ગણાતું લોકનૃત્ય ઘેરૈયાઓના ગરબાની પ્રથા પણ આજે કેટલાક વડીલોએ વર્ષોથી અકબંધ રાખી છે. ખાસ કરીને ગામડાના હળપતિ સમાજનું આ લોકનૃત્ય માનવામાં આવે છે અને તેઓ નવ દિવસ દરમિયાન માતાજીની ઘેર બાંધે છે.
ઘેરમાં અનેક પાત્રો પૈકી કવિયો મુખ્ય પાત્ર
નવરાત્રિ, દિવાળી તેમ જ શુભ પ્રસંગે ગામેગામ ફરીને માતાની આરાધના કરે છે અને સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે. ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને 'કવિયો' કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કેટલાક પાત્રો હોય છે, જેનું અલગ અલગ મહત્ત્વ છે. કવિયો ઉપરાંત તરકટિયો ગભણિયા, ઢોલકવાળો, વડીલવર્ગ, મહેનતાણું, સાડી વાળો, ખંજરીવાળો, મંજરીવાળો, બંગડીવાળા, ઘોડીવાળો અને કાળી બિલાડી પાત્ર ઘેર નૃત્ય માટે મહત્ત્વના છે.
આવો પોશાક પહેરીને રમે છે નૃત્ય
'કવિયો' ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તેને ઝીલે છે. ઘૈરેયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતીયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીંછ, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવશક્તિ સ્વરૂપ ધારણ કરે છે.
ઘેર મંડળીઓ જેના ઘરે નૃત્ય કરે તેની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા
સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઘૈરેયા મંડળીઓ જે ઘેરે જાય તેનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકમના માતાજી પૂર્ણ કરે છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકરણી અને જીવનપદ્ધતિના કારણે ઘેરૈયા નૃત્ય ભુલાઈ રહ્યું છે.