- સુરત, તાપી તથા નવસારી જિલ્લામાં ખૂબ મોટાપાયે રોકાણ આવવાની સંભાવના
- MMF ફેબ્રિકના ઉત્પાદનને પણ આ સ્કીમ હેઠળ સમાવી લેવા વિનંતી હતી
- ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે હાલમાં ભારત સ્પેશ્યાલિટી યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે
સુરત : ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી આ સ્કીમને મંજૂર થવાની રાહ ઉદ્યોગપતિઓ જોઈ રહ્યાં હતાં, જેને આજે કેબિનેટ દ્વારા મંજૂરી આપી રૂપિયા 10,683 કરોડ જેટલી માતબર રકમ આ સ્કીમ હેઠળ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આમાંથી લગભગ રૂપિયા 7000 કરોડ જેટલી રકમ MMF ટેક્સટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે અને રૂપિયા 4000 કરોડ જેટલી રકમ ટેકનીકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે. શરૂઆતમાં આ સ્કીમ માત્ર ગારમેન્ટ અને એપેરલ ક્ષેત્ર માટે જ હતી. ચેમ્બર દ્વારા વડાપ્રધાનને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને MMF ફેબ્રિકના ઉત્પાદનને પણ આ સ્કીમ હેઠળ સમાવી લેવા વિનંતી કરવામાં આવી હતી. જ્યારે આ સ્કીમની જાહેરાત થઈ છે અને જે કોઈ વિગતો ચેમ્બરને મળી છે તેનાથી ચોક્કસ કહી શકાય કે, આ સ્કીમમાં MMF ફેબ્રિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ટર્નઓવર બે વર્ષમાં કરવાનું રહેશે
આ PLI સ્કીમ હેઠળ નવું રોકાણ કરનાર એકમોએ 31 માર્ચ, 2023 પહેલા અરજી આપવાની રહેશે અને એકમો દ્વારા એના રોકાણની કિંમતથી ઓછામાં ઓછું બે ગણું ટર્નઓવર બે વર્ષમાં કરવાનું રહેશે તથા તેમનું ઉત્પાદન 31 માર્ચ, 2025 સુધી ચાલુ કરવાનું રહેશે. આ સ્કીમને સ્કીમ–1અને સ્કીમ–2 એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. સ્કીમ–1 માં ઈન્સેન્ટીવ વધુમાં વધુ 15 ટકા અને ઓછામાં ઓછું 11 ટકા સુધીનું આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને સ્કીમ–2 માં ઓછામાં ઓછું 7 ટકા અને વધુમાં વધુ 11 ટકા ઈન્સેન્ટીવ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વધુમાં ઇન્ટીગ્રેટેડ ટેકસટાઈલ ક્ષેત્રે ઓછામાં ઓછું 60 ટકા નું વેલ્યુ એડીશન કરવું પડશે તથા સ્ટેન્ડ અલોન ઈન્ડીપેન્ડન્ટ યુનિટ દ્વારા ઓછામાં ઓછું 30 ટકાનું વેલ્યુએડીશન કરવું પડશે.
યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે.
નોંધનીય બાબત એ છે કે, જે એકમો ROSTCL / RODTEP જેવી સ્કીમોનો લાભ લેતા હોય તેઓ આ સ્કીમ ઉપરાંત PLI સ્કીમનો પણ લાભ લઇ શકશે. જો બંને સ્કીમોનો લાભ ભેગા કરીએ તો ટેક્સટાઈલ એકમોને તેના ટર્નઓવરની સામે 21ટકા જેટલુ કેશ રીફંડ મળી શકે છે. વધુમાં, ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે હાલમાં ભારત સ્પેશ્યાલિટી યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે. આથી આ સ્કીમ આવવાથી સ્પેશ્યાલિટી યાર્નના ઉત્પાદનમાં પણ વધારો થશે, જેનાથી ખરા અર્થમાં ભારત આત્મનિર્ભર બનશે.
ખૂબ આભાર માનવામાં આવે છે
હાલમાં વિશ્વ આખું ચાઈના +1 સ્ટ્રેટજી હેઠળ યોજના બનાવી રહયું છે તો આ તકનો લાભ આ સ્કીમ આવ્યા પછી દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને ખૂબ મોટા પ્રમાણમાં મળવાની સંભાવના છે. આ સ્કીમ હેઠળ MMF ફેબ્રિકને આવરી લેવા માટે ચેમ્બર દ્વારા પીએમ મોદી, કેન્દ્રીય ટેક્સટાઈલ અને વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ તેમજ રેલવેપ્રધાન દર્શના જરદોશનો ખૂબ આભાર માનવામાં આવે છે.
સુરત જિલ્લાનું MMF ટેક્સટાઈલ ક્ષેત્રે આ યોગદાન ખાસ્સું વધી શકે
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને સુરત જિલ્લો MMF ટેક્સટાઈલના ઉત્પાદનમાં 65 ટકા જેટલું યોગદાન આપે છે. આ સ્કીમ આવ્યા બાદ સુરત જિલ્લાનું MMF ટેક્સટાઈલ ક્ષેત્રે આ યોગદાન ખાસ્સું વધી શકે છે. આ સ્કીમમાં ટાયર–૩ શહેરોમાં રોકાણ કરવાને પ્રોત્સાહન આપવા જણાવાયું છે. આ સ્કીમ અંતર્ગત ખૂબ જ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં આવેલ જિલ્લાઓ જેવા કે સુરત, તાપી તથા નવસારી જિલ્લામાં ખૂબ મોટા પાયે રોકાણ આવી શકે તેવી સંભાવના દેખાઇ રહી છે.
આ પણ વાંચોઃ રફ ડાયમંડની ઓનલાઈન ખરીદી પર લગાવાતા 2 ટકા ટેક્સને રદ કરવા સુરતના ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
આ પણ વાંચોઃ સરકારે 10683 કરોડ રૂપિયાની ટેક્સટાઇલ PLI સ્કીમને આપી મંજૂરી, સાડા સાત લાખ લોકોને મળશે રોજગારી