- આજે વિશ્વ કેન્સર દિવસ
- કેન્સર પીડિત શ્રુચિ વડાલિયાએ કેન્સર પીડિત લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું
- વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે શ્રુચિએ લોકોને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો
સુરતઃ કેન્સર પીડિત શ્રુચિ વડાલિયાએ કેન્સર પીડિત લોકો માટે જોમ અને જુસ્સાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવા વયે કેન્સરની સારવાર લઈ રહેલી શ્રુચિ વડાલિયાએ લોકોને કેન્સર માટે જાગૃત કરવા અત્યાર સુધીમાં 43 હજાર વૃક્ષો વાવ્યા છે. આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે શ્રુચિએ લોકોને પર્યાવરણથી જાગૃત કરવા લોકોને સંદેશ પાઠવ્યો છે.
શ્રુચિ વડાલિયાને અઢાર વર્ષની ઉંમરે થયું કેન્સર
શ્રુચિ વડાલિયાને અઢાર વર્ષની ઉંમરે ખબર પડી કે તેને રેર કહી શકાય એવું ગ્લાયોમા નામનું કેન્સરનો રોગ છે. જે કેન્સર રેર તો ખરું જ પરંતુ અઢાર વર્ષની ઉંમરની વ્યક્તિને પણ રેર કિસ્સામાં જ થાય છે. આ ઉંમરે પોતાને કેન્સર થયું છે એ જાણીને શ્રુચિને પહેલા ઝાટકો તો લાગ્યો કારણ કે, ડૉક્ટર્સ દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે, તે છ મહિનાથી વધુ નહીં જીવી શકે. જોકે એ વાત તો વર્ષ 2012ની હતી. આજે નવ વર્ષ પછી પણ શ્રુચિ જીવી રહી અને અત્યંત પ્રેરણાદાઇ રીતે પોતાનું જીવન પસાર કરી રહી છે.
શ્રુચિ લોકોને આપી રહી છે પ્રેરણા
શ્રુચિને જ્યારે કહેવાયું હતું કે તારી પાસે માત્ર 6 જ મહિના બાકી છે, ત્યારે તેણે નક્કી કર્યું હતું કે મૃત્યુ તો જ્યારે આવવાનું હશે ત્યારે આવશે, પરંતુ મૃત્યુ આવેએ પહેલા મારે મરી નથી જવું. એટલે જ છત્રીસ કેમો થેરાપી અને છત્રીસ રેડિયેશન્સ થયા હોવા છતાં શ્રુચિ ટકી રહી અને અત્યંત પ્રભાવક રીતે જીવતી રહી પછી તો શ્રુચિએ મુંબઈમાં તેનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું અને અમદાવાદમાં પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. આ તો ઠીક સારંગ ઓઝા નામના યુવક સાથે તેણે પ્રેમ લગ્ન પણ કર્યા હતા. હવે તે વૃક્ષારોપણના કાર્યો કરી રહી છે અને લોકોને પ્રેરણા આપી રહી છે.
43000 હજાર જેટલા વૃક્ષો વાવ્યા
શ્રુચિ વડાલિયાને બ્રેઇન ટ્યુમર છે. આટલી નાની વયે ટ્યુમર હોવા છતાં પણ તેમણે હિંમત હાર્યા વગર પોતાની ટ્રીટમેન્ટ કરાવી અને આજે અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બની છે. જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે તે સંપૂર્ણ હરી ચૂકી હતી પરંતુ તેમણે પોતાનું મન મક્કમ કર્યું અને લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતુ. અત્યાર સુધી 43000 હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે. તેની જિંદગીનો ઉદેશ્ય લોકોને આ બીમારીથી જેમ બને તેમ જાગૃત કરવાનો છે. આજે કેન્સર સાથે શ્રુચિ પોતાનું જીવન લોકોની સેવામાં વ્યતીત કરી રહી છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી તે વૃક્ષો વાવશે.