- કોરોના કેસોમાં થઈ રહ્યો છે સતત ઘટાડો
- ફેફસામાં 60 ટકા ઈન્ફેકશન હતું
- 30 દિવસ વેન્ટીલેટર પર રહી કોરોનાને મ્હાત આપી
બારડોલી : રાતદિન દર્દીઓની સેવાસારવારમાં ખડેપગે હજારો કોરોના યોદ્ધા તબીબોના યોગદાનના કારણે આજે કોવિડની બીજી લહેરની રફતાર ધીમી પડી છે. રિકવરી રેટ વધવાને કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યાં છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામના 40 વર્ષીય અમૃતભાઈ ચૌધરીએ કોરોના સામે 47 દિવસની લાંબી અને સંઘર્ષમય લડત બાદ જીત હાંસલ કરી છે. ફેફસામાં 60 ટકા ઈન્ફેકશન સાથે 30 દિવસ વેન્ટીલેટર પર રહી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.
ઓક્સિજન લેવલ 60 પર જતું રહ્યું હતું
સુરતની એસ.ડી. જૈન સ્કૂલમાં બસડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અમૃતભાઈ ઉવા ગામે માતાપિતા, પત્ની અને બાળકો સાથે રહે છે. અમૃતભાઈ જણાવે છે કે, '17મી એપ્રિલે શરદી-ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણ જણાતા ગામના ફેમિલી ડોક્ટરને બતાવ્યું, જેમની સારવાર દરમિયાન બ્લડ રિપોર્ટ કરાવતાં 17 ટકા ટાઈફોઈડ હોવાનું જણાયું. બે દિવસ સારવાર લેવા છતાં તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો, અને શ્વાસ લેવામાં તકલીફ થવાથી 19મી એપ્રિલના રોજ પરિવાર દ્વારા સુરતની નવી સિવિલમાં દાખલ થયો. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એ સમયે ઓક્સિજન લેવલ 60 તેમજ ફેફસામાં 60 ટકા સંક્રમણ હતું. પરંતુ મક્કમ મનથી કોરોના સામે લડવાનું નક્કી કર્યું હતું, અને તબીબોના સાથસહકારથી 47 દિવસની સંઘર્ષમય લડત બાદ આખરે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છું.'
આ પણ વાંચોઃ આગ્રાની પારસ હોસ્પિટલ કરવામાં આવી સીલ, માલિક પર કરાયો કેસ દાખલ
દીકરીએ ખૂબ જ હિંમત આપી
અમૃતભાઈ કોરોના સામે જીત મેળવવાનો શ્રેય સિવિલના તબીબોને આપતા જણાવે છે કે, તબીબોએ પોતાના પરિવારના સભ્યની જેમ મારી સારવાર કરી હતી. તેમની નિ:સ્વાર્થ સેવાને કારણે જ આજે હું કોરોનામુક્ત થયો છું. મારી 20 વર્ષની દીકરી ખુશ્બૂએ કોરોના સામે લડવામાં ખૂબ જ હિંમત આપી હતી. એકસમયે મેં કોરોના સામે ઘૂંટણ ટેકવી દીધા હતા, મને બચવાની કોઈ આશા ન હતી. દીકરી મારૂં મનોબળ મજબૂત કરતા કહેતી હતી કે ‘પપ્પા, તમે હાર ન માનતા. ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યાં છે, મક્કમતાથી લડીને બતાવો કે તમે કેટલા સ્ટ્રોંગ છો.’ મારી દીકરીના આવા હકારાત્મક શબ્દોથી મને પ્રેરણા મળી અને આખરે હું કોરોનાને હરાવવામાં સફળ રહ્યો.
ચૌધરી પરિવારના સકારાત્મક વલણને કારણે શક્ય બન્યું
તેમની સારવાર કરનાર ડો.હીરેન રાબડીયાએ જણાવ્યું હતું કે અમૃતભાઈની તબીબી સારવાર અંતર્ગત ચેસ્ટ ફિઝીયોથેરાપી, રેમડેસિવીર ઈન્જેક્શન તેમજ સ્ટીરોઈડ સહિતની સારવાર અપાઈ હતી. ચૌધરી પરિવારના સકારત્મક વલણને કારણે તેઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટિવ થયા છે. સિવિલના ડો.આકાશ પટેલ, ડો.શ્વેતા પટેલ સહિત નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફે જહેમતભરી સારવાર કરી હતી.
આ પણ વાંચોઃ STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ