સુરત: અડાજણ વિસ્તારમાં સ્કૂલ વાનચાલકે રોજગારી માટે સ્કૂલવેનમાં જ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું છે. લોક ડાઉનના કારણે ઘર ખર્ચ કાઢવો મુશ્કેલ બનતા સ્કૂલ વેનમાં જ શાકભાજી રાખી ઘર ખર્ચ જેટલી આવક ઉભી કરે છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના આશિષ ઓમલે સ્કૂલ વેનચાલક છે. કોરોના વાયરસને લઈને ભારતમાં લોકડાઉન છે ત્યારે તેઓનું ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ બન્યું હતું. જેથી તેઓએ હવે સ્કુલવેનમાં જ શાકભાજી વેચવાનું શરુ કરી દીધું છે. તેઓ વહેલી સવારે શાકભાજી લાવે છે અને વેનમાં જ શાકભાજી રાખી વહેંચે છે. તેઓના ઘરમાં કુલ 6 સભ્યો છે અને હાલ તેઓ આવી રીતે શાકભાજી વિતરણ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આશિષે જણાવ્યું હતું કે. તેના બે જોડિયા બાળકો છે. શાળા લોકડાઉનના કારણે બંધ છે. જેથી સ્કૂલની વર્દી નથી. શાળા ક્યારે શરૂ થશે ખબર નથી. જેથી પરિવારનું ભરણપોષણ કરવા વેનમાં જ શાકભાજી વેચવાનું શરુ કરી દીધું છે.