- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જ શાળા કોલેજ શરૂ કરવા આદેશ
- શાળા કોલેજો શરૂ કરવા અંગે શાળા સંચાલકો સાથે બેઠક યોજાઈ
- વિદ્યાર્થીઓને હેન્ડ હાઇજિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ અંગે ટ્રેનિંગ આપવામાં આવશે
સુરત: સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, રાજ્ય સરકારના નિર્ણય બાદ શહેરના શાળા સંચાલકોના સાથે એક બેઠક કરવામાં આવી હતી. રાજય સરકારની જે ગાઈડલાઈન છે, તેની ચુસ્ત પણે પાલન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. સાથે શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં જે પણ કન્ટેન્ટ વિસ્તાર છે. ત્યા શાળા અને કોલેજ શરૂ કરવામાં ન આવે. સંચાલકોને વધુમાં જણાવવામાં આવ્યું કે વાલીઓને પરવાનગી વગર વિદ્યાર્થીઓ શાળા ન આવવા જોઈએ. સંક્રમણ ન વધે તે માટે વિદ્યાર્થીઓ જ્યારે શાળા આવે ત્યારે હેન્ડ હાઇજિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ અંગે ટ્રેનિંગ આપવામાં આવશે.
વતન અથવા ફરીને સુરત આવે અને કોઈને લક્ષણ દેખાય તો ટેસ્ટિંગ ફરજિયાત કરે
અમદાવાદ અને સુરતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી સુરત આવી રહેલા લોકોનો ટેસ્ટ ટોલનાકા પર થઈ જાય તેવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વલેન્સ કરવામાં આવ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે પોતાના વતન અથવા ફરીને સુરત આવે અને કોઈને લક્ષણ દેખાય તો ટેસ્ટિંગ ફરજિયાત કરે.
જાહેરમાં છઠ પૂજાનું આયોજન ન કરવા માટે લોકોને અપીલ
જાહેરમાં છઠ પૂજા ઉપર પ્રતિબંધ અંગે નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પાનીએ જણાવ્યું કે, કોઈ પણ જાહેરમાં પૂજા-અર્ચના ના થાય આ માટે સમાજના આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ પણ લોકોને અપીલ કરી છે કે ઘરમાં રહી પૂજા-અર્ચના કરે. કોવિડ 19ના કારણે આ વખતે જાહેરમાં છઠ પૂજાનો આયોજન ન કરવા માટે લોકોને અપીલ પણ કરાઈ છે.