સુરત: સંસ્કૃત ભાષા એ તમામ ભાષાઓની જનની છે. આ અતિપ્રાચીન દેવભાષામાં ભારતીય સંસ્કૃતિના મૂળિયા રોપાયેલા છે. દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી 31 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. આપણા દેશમાં અનેક ભાષાઓમાં સમાચારપત્ર પ્રકાશિત થાય છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, ડાયમંડ સિટી સુરતથી દાઉદી વ્હોરા સમાજના મુસ્લિમ બંધુઓ દ્વારા દેશનું એકમાત્ર દૈનિક સંસ્કૃત સમાચારપત્ર વિશ્વસ્ય વૃતાન્ત પ્રકાશિત થાય છે.
આ સમાચારપત્રના મેનેજીંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલાએ જણાવ્યું હતું કે, તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે પહેલેથી જ લગાવ હતો અને તેના પ્રચાર-પ્રસાર માટે તેમણે સંસ્કૃત ભાષામાં અખબારની શરૂઆત કરી. શરૂઆતના વર્ષોમાં મુર્તુઝા ખંભાતવાલાને વિશ્વસ્ય વૃતાન્ત અખબાર માટે પૂરતા રીડર્સ ન મળતા તેને બંધ કરવાનું તેમણે વિચાર્યુ હતું. પરંતુ તેમના મામા સૈફી સંજલીવાલાએ આર્થિક મદદ કરતા આ અખબારનું પ્રકાશન ચાલુ રહ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અખબારની ડિજીટલ આવૃત્તિ શરૂ થતા તેમને ગુજરાત ઉપરાંત યુપી, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન જેવી અનેક જગ્યાઓથી વાચકોના પ્રતિસાદ મળે છે. વિશ્વસ્ય વૃતાન્ત અખબારના એડિટર શિવરાજ ઝા જણાવે છે કે, પત્રકારત્વના ઇતિહાસમાં સંસ્કૃત ભાષાના અનેક સમાચારપત્ર શરૂ થયા અને બંધ પણ પડી ગયા. જો પર્યાપ્ત સંખ્યામાં વાચકો ન હોય અને સમાજ તથા સરકારનો સહયોગ ન મળે તો સમાચારપત્ર ચલાવવું મુશ્કેલીભર્યુ છે.
નાતજાત અને ધર્મની વાડાબંધી ભૂલીને અનેક આર્થિક પડકારોનો સામનો કરી અખંડ ભારતીયતાનું પ્રતિક એવી દેવભાષા સંસ્કૃતને પ્રાણવંતી રાખવાનો ઉમદા પ્રયાસ કરનાર આ મુસ્લિમ બંધુઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.