- અજાણયા તસ્કરો ચંદનના ઝાડને મુળિયામાંથી કાપી ચોરી કરીને લઇ ગયા
- ઝાડની ચોરી થઇ હોવાની જાણ થતા બાગ ખાતાના અધિકારીઓ દોડતા થઇ ગયા
- બાગની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થયા
સુરત: શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ઘર, ઓફીસ અને મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ હવે સુરતમાં બગીચાઓમાં રહેલા ઝાડ પણ સુરક્ષિત નથી. સુરતના અઠવા પોલીસ મથક નજીક આવેલા ગાંધીબાગમાંથી ચંદનના વર્ષો જુના ઝાડની ચોરી થઇ છે. અજાણયા તસ્કરો ઝાડને મુળિયામાંથી કાપી ચોરી કરીને લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- ગાંધીનગર વિજિલન્સે મીઠી વીરડીમાં ખનીજ ચોરી કરતા સ્થળ પર રેડ પાડી
અધિકારીઓએ બાગ ખાતે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
ચંદનનું ઝાડ અત્યંત કીમતી હોય છે, ત્યારે આ ઝાડની ચોરી કરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે. બીજી તરફ સવારમાં ઝાડની ચોરી થઇ હોવાની જાણ થતા બાગ ખાતાના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. અધિકારીઓએ બાગ ખાતે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ઝાડની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાથી બાગની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થયા છે.
અગાઉ પણ થઇ ચૂકી છે ચોરી
ઉલ્લેખનીય છે કે, ગાંધીબાગમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. અગાઉ ઝાડ તેમજ લોખંડની રેલીંગ પણ ચોરી થઇ ચૂકી છે. ત્યારે ફરી એક વખત ચંદનના ઝાડની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો- રેતી ચોરી અટકાવવા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે, વિભાગે કરી તૈયારીઓ
ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની પુરેપુરી તકેદારીઓ રાખવી જોઈએ
ઝેહરા સાયકલવાલાએ જણાવ્યું હતું કે, હું સામાજિક કાર્યકર છું. દરરોજ સવારમાં આ બાગમાં કસરત માટે આવીએ છીએ. આજે ખબર પડી હતી કે, અહીં ચંદનના ઝાડની ચોરી થઇ છે. એટલું જ નહી મુળિયા સુધી કાપી ઝાડની ચોરી કરવામાં આવી છે. શહેરની વચ્ચે બાગ આવેલુ છે. બાગની સામે જ પોલીસ મથક પણ છે અને અગાઉ પણ અહીં ચોરી થઇ છે, ત્યારે ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની પુરેપુરી તકેદારીઓ રાખવી જોઈએ.