સુરત : સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ લોકડાઉન દરમિયાન ઉદ્યોગો બંધ થતા તેઓ બેરોજગાર થઇ ગયા હતા. વિકટ પરિસ્થિતિમાં આ શ્રમિકો ટ્રેન, ટ્રક અને ટેમ્પો મારફતે પોત પોતાના વતન પરત ચાલ્યા ગયા હતા.
અનલોક 1, 2, 3 અને 4 ઉદ્યોગ ફરી શરૂ થતા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટા ઓર્ડર્સ અન્ય રાજ્યોમાંથી મળી રહ્યા છે. જેથી વતન જતા રહેલા પરપ્રાંતીય મજૂરોને સુરતના ઉદ્યોગપતિ ફ્લાઈટ મારફતે પરત બોલાવી રહ્યા છે. સચિન GIDCમાં પ્રિન્ટ ફેબ્રિકનો મોટો ઓર્ડર મળતા શ્રમિકોની અછત સર્જાઈ છે.
સચિન GIDC એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, હાલ મોટો ઓર્ડર મળવાને કારણે ઉદ્યોગપતિઓએ 3000 જેટલા મજૂરોને ફ્લાઇટ મારફતે સુરત બોલાવી રહ્યા છે. હાલ ઉદ્યોગની સ્થિતિ સારી હોવાથી પ્રિન્ટેડ ફેબ્રિકના ઓર્ડરથી ઉદ્યોગમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.
સચિન GIDCના બાપા સીતારામ ટેક્સટાઇલના માલિક અને ઉદ્યોગપતિ અલ્પેશ નાકરાણીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રતિ મજૂર 5500ના ખર્ચે કારીગરોને ફ્લાઇટ દ્વારા સુરત પરત બોલાવ્યા છે. આવા 84 પરપ્રાંતીય મજૂર છે અને મોટા ભાગના શ્રમિકો ઓડિશાના છે. તમામ મેડિકલ સેવા પૂરી પાડી અને તમામ ગાઈડલાઈન મુજબ તેમને ઓડીસાથી મુંબઇ એરપોર્ટ અને ત્યારબાદ ઇનોવા કારમાં સુરત બોલાવવામાં આવ્યા છે. જેકાર્ડ મશીન ખૂબ જ અગત્યના હોય છે, જે અન્ય શ્રમિકો ચલાવી શકે નહીં. જેથી અમે ફ્લાઇટ દ્વારા આ શ્રમિકોને સુરત પરત બોલાવી રહ્યા છે.
લોકડાઉનમાં મુશ્કેલીઓનો સામનો કરી ટ્રેન મારફતે ઓડિશાના ગંજામ પોતાના વતન ટ્રેન મારફતે ગયેલા બલ્લુ શાહુ અને પિન્ટુ ભુઇયા સુરત પરત ફરી ખૂબ જ ખુશ છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વાર ફ્લાઈટમાં બેસ્યા હતા. જે પણ મુશ્કેલીઓ થઈ તે સુરત આવીને ભૂલી ગયા છે. તેમની જેમ અનેક શ્રમિકો ફ્લાઇટથી સુરત આવી રહ્યા છે.