- સાવધાન! લગ્ન માટે ઉત્સુક યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે
- વરાછા પોલીસ તપાસ કરી રહી હતી તેના 15 દિવસની અંદર લૂંટેરી દુલ્હનનો બીજો કિસ્સો બહાર આવ્યો
- સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા નરેશ શિયોરા સાથે પણ છેતરપિંડી થઈ
સુરતઃ શહેરમાં લૂંટેરી દુલ્હન એન્ડ ગેંગે તબાહી મચાવી છે. થોડા દિવસ અગાઉ જ વરાછા પોલીસ સ્ટેશનમાં આવો એક ગુનો નોંધાયો હતો, જેમાં વરાછા પોલીસ હજી તપાસ કરી રહી છે ત્યાં આવી જ એક વધુ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે, જેમાં લગ્નના માત્ર 2 મહિનામાં જ લૂંટેરી દુલ્હન 4.50 લાખ રૂપિયાની મત્તા કરી ફરાર થઈ ગયી હતી. આ ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરતના સરથાણામાં શામધામ રોડ પર સાંઈ કૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. 6 મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી નામની મહિલા ખરીદી માટે આવતી હતી. મમતા મૂળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે ત્યારે મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી ત્યારે મમતાએ કહ્યું કે, તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યારબાદ તે લગ્ન કરશે.
આ પણ વાંચો-અમદાવાદની લૂંટેરી દુલ્હન, લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર
લગ્નના બે મહિનામાં દાગીના અને રોકડ લઈ ફરાર થઈ
નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ 4 ફેબ્રુઆરીએ વાડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે મમતાની માતા અને નરેશના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સારી રીતે રહેવા લાગ્યા હતા. 7 એપ્રિલે નરેશની ફોઈની દીકરીનું મામેરું હોવાથી નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમ જ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. 25 માર્ચે રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. આ મામલે તપાસ કરતા તેનો ફોન પણ બંધ હતો. આથી નરેશભાઈએ આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- લૂંટેરી દુલ્હન જૂનાગઢ પોલીસના સકંજામાં, બોગસ લગ્ન કરી ઠગાઈ બાદ યુવતી હતી ફરાર
પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ છૂટાછેડા લીધા હતા
પત્ની દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતા નરેશભાઈએ તેમના સબંધી હરસુખભાઈને ત્યાં તપાસ કરી હતી, પરંતુ હરસુખને આ મામલે કોઈ જાણકારી ન હોવાનું કહ્યું હતું. નરેશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા માટે મમતાએ પહેલા પતિ પાસેથી રૂપિયા પણ લીધા હતા. આ મામલે નરેશ શિરોયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.