- શરૂઆતમાં 3 વર્ષ રિઝવાન ભાઈ તેમના ઘરે જ ગણેશજીને બિરાજમાન કરતા હતા
- ડાયમંડ હેન્ડ વર્કનો ધંધો કરે છે રિઝવાન ભાઈ
- એપાર્ટમેન્ટના સભ્યો સાથે મળીને ગણેશજીની સ્થાપના અને પૂજન કરે છે
- જીવીશ ત્યાં સુધી ગણેશજીની સ્થાપના કરતો રહીશ: રિઝવાનભાઈ
સુરત: સુરત હિન્દુ-મુસ્લિમ ભાઈચારો ધરાવવા માટે આગવી ઓળખ ધરાવે છે. આ ભાઈચારો તહેવાર દરમિયાન પણ જોવા મળે છે. આવું જ કંઈક અમરોલી છાપરાભાઠાના રામદેવ એપાર્ટમેન્ટના રહીશો વચ્ચે જોવા મળ્યું છે. છેલ્લા 14 વર્ષથી અહીં રિઝવાન અબ્દુલ કાદર મેમણ પરિવાર સાથે ગણેશજીની સ્થાપના કરે છે.
10 દિવસ માટે પંડિતને પણ આમંત્રણ
એપાર્ટમેન્ટના હિન્દુ સભ્યોની મદદથી તેઓ ગણેશોત્સવની વિધિ પ્રમાણે ઉજવણી કરે છે. ડાયમંડ હેન્ડવર્કનો ધંધો કરતા રિઝવનભાઈ શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી તેમના ઘરે જ ગણેશજીને બિરાજમાન કરતા હતા, બાદમાં તેઓ તેમના એપાર્ટમેન્ટમાં જ સાર્વજનિક રીતે ગણેશજીની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરે છે. 10 દિવસ માટે પંડિતને પણ આમંત્રણ આપે છે.
મારી સાથે મારો પરિવાર પણ ગણેશજીની સેવા કરે છે
રિઝવાનભાઈએ જણાવ્યું હતું કે, હિન્દુ વિસ્તારમાં રહું છું અને અહીંના રહીશોની મદદને કારણે સ્થાપના કરું છું. એક દિવસ મને ઈચ્છા થઈ અને મેં ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. મેં કોઈ બાધા લીધી નથી, પરંતુ જીવીશ ત્યાં સુધી ગણેશજીની સ્થાપના કરતો રહીશ. મારી સાથે મારો પરિવાર પણ ગણેશજીની સેવા કરે છે. મારા બાળકો પણ 'ગણપતિ બાપ્પા મોરિયા' બોલીને ગણેશજીનું પૂજન કરે છે. વર્ષોની સેવાને કારણે મને આરતી અને થાળ પણ મોઢે થઈ ગયા છે. બે વર્ષ સત્યનારાયણની કથામાં પણ બેઠો છું.
વધુ વાંચો: આજે જળજીલણી એકાદશી, જાણો ધાર્મિક મહત્વ
વધુ વાંચો: આજે છે પરિવર્તની એકાદશી, આજના દિવસે શ્રીહરિની પૂજા કરવાથી મળે છે સવિશેષ પુણ્ય