સુરત : શહેરમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતનો પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ જતા સ્થાનિક લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
એક તરફ કોરોના વાઇરસ તો બીજી તરફ ગાડી પૂરનું પાણી સુરતીઓના મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. પાંડેસરા વિસ્તાર જળબંબાકાર થતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે નીચાણવાળા વિસ્તારમાં ખાડી પુર જોવા મળી રહ્યા છે. ઉધના, લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે પાંડેસરા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.
અંદાજિત સાડા ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઇ જતા ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ફાયરની ટીમ દ્વારા સાત જેટલા લોકોને બચાવી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. હાલ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા નજીકની પ્રાથમિક સ્કૂલમાં તમામ લોકો માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગરીબ દુકાનદાર અને રહેવાસીઓનો ઘરવખરીનો સામાન પાણીમાં તણાઇ જતા હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
ભેદવાડ ખાડીને લઈ અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરી દેવાતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું,જે બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો. બીજી તરફ આ ઘટનાની જાણ થતા શહેરના મેયર ડોક્ટર જગદીશ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બોટ મારફતે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.