- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સુરતમાં છેલ્લી ઘડીએ નામો જાહેર
- નામો જાહેર થતા જ વિરોધનો દોર પણ શરૂ
- સુરતમાં કાર્યકરોએ પેજ પ્રમુખનું કાર્ડ સળગાવ્યું
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સુરતમાં છેલ્લી ઘડીએ નામો જાહેર કરવામાં આવ્યા છે. નામો જાહેર થતા જ વિરોધનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ કાર્યકરોમાં નારાજગી સામે આવી છે. વોર્ડ નંબર 3માં વોર્ડ બહારના લોકોને ટિકિટ ફાળવવામાં આવતા કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો. અંદાજે 200 જેટલા કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જઈને હોબાલો મચાવ્યો હતો અને પેરપ્રમુખનું કાર્ડ સળગાવીને ઉમેદવાર બદલવામાં નહિ આવે તો સીટ ગુમાવવી પડશે તેવી ચીમકી પણ સી.આર પાટીલ અને આરોગ્ય પ્રધાન કુમાર કાનાનીને આપવામાં આવી છે.
વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોએ સી.આર.પાટીલને ફોન કર્યો
રોષે ભરાયેલા કાર્યકરોએ સ્થળ પરથી જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને વોર્ડ નંબર 3માં ઉમેદવાર અન્ય વોર્ડના હોવાની વાત કરી હતી. એટલું જ નહીં ત્યાં થઈ રહેલો હોબાળો પણ પાટીલને ફોન પર સંભળાવ્યો હતો. જેના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે, ત્યાં હોબાળો ન કરો, તમે ધારાસભ્યને રજૂઆત કરો, ધારાસભ્યોના મત મુજબ જ નામો જાહેર કરાયા છે.
કુમાર કાનાણીએ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા જણાવ્યું
સ્થળ પરથી એક કાર્યકરે ધારાસભ્ય અને આરોગ્ય પ્રધાન કુમાર કાણાનીને ફોન કરીને રજૂઆત કરી હતી કે, અહીં સીટ ગુમાવવવી પડશે. ત્યારે આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, હું બપોરનો માથાકૂટ કરું છું, અત્યારે પણ માથાકૂટ ચાલુ છે. તમેં ત્યાં વિરોધ ન કરો, ભાજપ કાર્યાલય પર જઈને ત્યાં રજુઆત કરો, હું માથાકૂટ કરું જ છું.
વોર્ડ નંબર 3 માં ભાજપે પસંદ કરેલા ઉમેદવારો
- ભાવના બેન રાજેશભાઈ દેવાણી
- ધર્મેશભાઈ ગોરધનભાઈ સરસરિયા
- ભાવેશભાઈ શંભુભાઈ ડોબરીયા
- દક્ષાબેન લવજીભાઈ ખેની