- સુરતમાં વાલીઓએ વ્યક્ત કર્યો વિરોધ
- શાળા શરુ કરવાનો સરકારનો નિર્ણય અયોગ્ય
- કોરોનાને લઇ બાળકોને રિસ્કમાં મૂકવાં યોગ્ય નથી
સુરત : કોરોનાના કારણે છેલ્લા 8 મહિનાથી શાળાઓ બંધ છે. જો કે હવે રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.તેના માટે SOP પણ બનાવવામાં આવી છે. આ જાહેરાત શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી છે. જો કે જાહેરાત થતાંની સાથે જ સુરતમાં વાલીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીઓના મતે હાલમાં કોરોનાનો રોગ કાબુમાં આવ્યો નથી અને કેસ પણ વધી રહ્યાં છે. તો આવા સંજોગોમાં બાળકોને કઇ રીતે શાળાએ મોકલવા.
- બાળકોના સ્વાસ્થ્યની ચિંતા
વાલીઓ કહી રહ્યાં છે કે કોરોનાના કારણે જે હાલત થઈ છે તે અમે જોઈ છે. સુરત શહેર જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાએ તબાહી સર્જી છે. ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. હજુ સુધી વેકસીન પણ આવી નથી. અમે જ નહીં પરંતુ કોઈપણ માતાપિતા પોતાના બાળકને જીવના જોખમે શાળાએ મોકલવાનું જોખમ લેશે નહીં. વાલી તૃપ્તિબહેને જણાવ્યું કે અમે કોરોનામાં મારા જ સસરાને ગુમાવ્યાં છે એટલે મને ખબર છે કે કોરોનામાં શું પરિસ્થિતિ સર્જાય છે. મારાં બે બાળકો છે. એક ધોરણ 8 અને એક બાળક 10માં ધોરણમાં ભણે છે. હું કોઈપણ સંજોગોમાં મારા બન્ને બાળકોને શાળાએ નહીં મોકલું. રાજ્ય સરકાર કોઈપણ નિર્ણય કરે પંરતુ અમે માતાપિતા છીએ. અમને અમારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા છે. બાળક અમારું છે તેથી જીવના જોખમે અમે બાળકોને નહીં મોકલીએ. સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. જ્યાં સુધી વેકસીન ન આવે ત્યાં સુધી નિર્ણય ન કરવો જોઈએ.