સુરતમાં દિવસેને દિવસે મોબાઈલ અને ચેઈન સ્નેચરોનો આતંક વધી રહ્યો છે સુરતમાં રોજની મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ફરિયાદ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ રહી છે ત્યારે પોલીસ આવા ગુનેગારોને પકડવામા સંદતર નિષ્ફળ નીવડી રહી છે. આવા તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ ઘટનાને અંજામ આપી ફરાર થઇ રહ્યા છે. ત્યારે હવે લોકો ખુદ લોકોને જાગૃત કરી રહ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં જાગૃત નાગરિકો દ્વારા બેનર લગાડવામાં આવ્યા છે. જેમાં લોકોને આવા મોબાઈલ સ્નેચરોથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં દિન પ્રતિદિન મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ ઓલપાડના ધારાસભ્ય પણ આવા મોબાઈલ સ્નેચરોનો ભોગ બન્યા હતા અને આમ જનતા પણ આવા મોબાઈલ અને ચેઈન સ્નેચરોનો ભોગ બની રહી છે. સુરતના ખૂણે ખૂણે CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે તેમ છતાં પોલીસ આવા ગુનેગારોને પકડવામાં અસફળ રહી છે તેમાં કોઈ બેમત નથી. જેથી પોલીસની આવી કામગીરીના કારણે ખુદ જનતાએ જ આગળ આવવું પડ્યું હોય પોતાની રક્ષા કરવા તેવું દેખાય રહ્યું છે.