- બાઈકને મોડીફાય કરી દારૂની હેરાફેરી
- દારૂ અને બાઈક મળી કુલ 92 હજારની મત્તા કબ્જે
- પોલીસે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા
સુરત : બાઈકને મોડીફાય કરી કચરાની ગુણોમાં દારૂની હેરાફેરી કરી રહેલા એક ઈસમને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક મળી કુલ 92 હજારની મત્તા કબ્જે કરી છે અને દારુ આપનાર અને દારૂ મંગાવનારા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
ગાડીને મોડીફાય કરી કરતો હતો દારૂની હેરાફેરી
બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ સુરતમાં એક વ્યક્તિએ દારૂની હેરાફેરી કરવા એક અલગ જ કીમિયો અપનાવ્યો હતો. જે જોઈને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, ડીંડોલી પાસે આવેલા શિવહીરાનગર પાસે એક ઇસમ કચરાની ફેરી મારે છે અને ચોરી છુપીથી દારૂની હેરાફેરી પણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ક્રિષ્ના શ્યામલાલ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતાની બાઈકને મોડીફાય કરાવી હતી. જેમાં તેણે બાઈકની પાછળના ભાગે લોખંડની લોડીંગ કેરેજ ફીટીંગ કરાવેલું હતું અને તેમાં બે પ્લાસ્ટિકની ગુણો મુકી દીધી હતી અને તેમાં ઉપર કચરો, ખાલી બાટલી મૂકી દીધી હતી અને નીચે દારુ છુપાવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી 40 હજારનો દારુ મળી આવ્યો હતો. જેથી પોલીસે તે બાઈક, દારૂ મળી કુલ 92 હજારની મત્તા કબ્જે કરી હતી.
બે ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસની પૂછપરછમાં તેને આ દારૂ દમણ ખાતેથી લાલુ નામના ઇસમેં આપ્યો હોવાનું તેમજ આ દારુ રાકેશ નામના ઇસમેં મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.