સુરત : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઇ અનેક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદ્યાર્થીઓએ ટીવી પર જોયા હશે, પરંતુ નવી શિક્ષણ નીતિને લઈ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનિમેશન ફિલ્મમાં બાળકોને સમજાવતા નજરે પડશે. સુરતના સરકારી શાળાના આચાર્ય દ્વારા એક ખાસ એનિમેશન ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જેમાં શિક્ષક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવવામાં આવ્યા છે. આ એનિમેશન ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે જાણકારી આપતા જોવા મળી રહ્યા છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઇ GCERT ગાંધીનગર તરફથી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય દ્વારા ખાસ એનિમેશન ફિલ્મ બનાવી છે અને આ સ્પર્ધામાં આ એનિમેશન ફિલ્મ મોકલવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-114ના આચાર્ય નરેશ મહેતાએ એનિમેશન ફિલ્મમાં શિક્ષકના કિરદારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવ્યા છે, જે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અંગે જાણકારી આપી રહ્યા છે. આ અંગે જાણકારી આપતા નરેશ મહેતાએ જણાવ્યું કે, GCERT ગાંધીનગર તરફથી નવી શિક્ષણ નીતિને લઈને એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકો બે મિનિટની ફિલ્મ, પોસ્ટર અથવા ગ્રાફિક્સ બનાવીને મોકલવાનું હતું. જે સ્પર્ધા અંતર્ગત બે મિનિટની આ એનિમેશન ફિલ્મ બનાવીને મોકલવામાં આવી છે.