સુરત: કોરોના વાઇરસના પગલે હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકોને ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે. સુરતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે લોકો બેજવાબદાર બની ઘરની બહાર નીકળવા માટે અલગ અલગ બહાના કરતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, આવા લોકો સામે શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જે શહેરો અને રાજ્યોમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. સુરતમાં કોરોના વાઇરસનો વ્યાપ ઘટાડવા માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ શહેરના કેટલાક બેજવાબદાર નાગરિકોના કારણે સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાઇરસના વધતા વ્યાપને જોતા લોકડાઉન વધારવામાં આવ્યું છે. હાલ લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે લોકો અવનવા બહાના કાઢી ઘરોની બહાર વાહનો લઈ નીકળી રહ્યા છે. જો કે આવા લોકોની બહાનાબાજી પોલીસે પકડી પાડી કડક કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના મજુરાગેટ વિસ્તારમાં લોકડાઉન વચ્ચે પણ વાહનોની મોટી અવરજવર જોવા મળી છે. જાણે લોકડાઉન જેવું કાંઈ છે જ નહીં તેવા દ્રશ્યો જોવા મળ્ય છે. બીજી તરફ વાહનો લઈ નીકળી પડેલા ચાલકો સામે કાર્યવાહી કરી 65 જેટલા વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા લોકોએ પોલીસ સમક્ષ અલગ અલગ બહાના અને કારણો રજૂ કર્યા હતા. જેની પોલીસ દ્વારા ખાતરી કરાતા કેટલાકના તો ભાંડા ફૂટી જતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પોલીસ અધિકારીની ખાતરી દરમિયાન જાણવા મળ્યું હતું કે, લોકો દસ કિલો મીટર દૂરથી શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ લેવા માટે આવ્યા હતા. જ્યારે કેટલાક તો ડોક્ટરની પ્રિસ્ક્રીપશન વિના જ દવાની બોટલ લઈ નીકળી પડયા હતા.