- સુરતમાં ઓક્સિજનની અછતની વચ્ચે તંત્રની સરાહનીય કામગીરી
- તંત્રએ ઓક્સિજનનો જથ્થો વેડફાય નહીં તે માટે માઈક્રોપ્લાનિંગ કર્યું
- તમામ હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશને ચકાસવા ઓડિટ ટીમ બનાવી
સુરતઃ શહેરમાં પણ અનેક હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી, પરંતુ હજી સુધી અહીં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આનું કારણ અધિકારીઓનું માઈક્રો પ્લાનિંગ છે. અધિકારીઓએ માઈક્રો પ્લાનિંગ કરી સમગ્ર સ્થિતિ થાળે પાડી હતી.
![તંત્રએ ઓક્સિજનનો જથ્થો વેડફાય નહીં તે માટે માઈક્રોપ્લાનિંગ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11718396_oxygen_a_7200931.jpg)
કટોકટીના સમયમાં કરકસર માટે ઓક્સિજન ઓડિટ
જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ના આસિસ્ટન્ટ કમિશનર આર. એમ. પટેલે જણાવ્યું હતું કે, શહેરોમાં પણ ઓક્સિજનની માગમાં વધારો થતાં સુરત માટેનો ઓક્સિજન ક્વોટા ઘટાડવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા અમે ઓક્સિજનનો કરકસરથી ઉપયોગ થાય એ માટે ઓક્સિજન ઓડિટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ માટે સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલો માટે ડેડિકેટેડ ઓક્સિજન ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી. ઓડિટ ટીમે તમામ હોસ્પિટલોની મુલાકાત લઈ તમામ લિકેજ પોઈન્ટ ચકાસી તેમાં સુધારા કરાવ્યા હતા. અગાઉ કરવામાં આવેલા 96-97 ટકાની તુલનામાં 94 ટકા મહત્તમ પર SPO2 જાળવવા જેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા
60-50 LPM સુધીના સ્તરે લાવી ચોવીસ કલાક દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવતા
બાયપેપ દર્દીઓ માટે સ્ટેપ ડાઉન મેથડ અજમાવવામાં આવી હતી, જેમાં દર્દીઓ 80-90 LPM ઓક્સિજન પર હોય તો તે ધીમે ધીમે 60-50 LPM સુધીના સ્તરે લાવી 24 કલાક દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવતા હતા. તે પછી જો દર્દી તે લેવલ પર સ્ટેબલ રહે તો ઘટાડેલા લેવલ પર ઓક્સિજન રાખવામાં આવે છે. આ રીતે વપરાશ ઓછો થયો અને ઓક્સિજન બચાવવામાં ખૂબ મદદ મળી હતી. CCTV કેમેરા સર્વેલન્સ અને ખામીયુક્ત ફ્લો મીટર અને અન્ય જોડાણોને નવા પાર્ટ સાથે બદલવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં 144 નવા ફ્લો મીટર લગાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની નર્સ, ડોકટર્સ તથા અન્ય સ્ટાફને ઓક્સિજનના કાર્યક્ષમ ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.
![સુરતમાં ઓક્સિજનની અછતની વચ્ચે તંત્રની સરાહનીય કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11718396_oxygen_b_7200931.jpg)
વીડિયો બનાવી તમામ હોસ્પિટલ અને કર્મચારીઓને મોકલાયા હતા
ઓક્સિજન બચાવવા 'Do અને Don’t'ની સૂચનાઓ દિવાલો પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે જ ઓક્સિજનના યોગ્ય વપરાશ અંગેની મહિતી ધરાવતા વીડિયો બનાવી તમામ હોસ્પિટલ્સ અને કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. ઓડિટ ટીમે ખાનગી હોસ્પિટલોની પણ મુલાકાત લઈ ઓક્સિજનના જોડાણો, લિકેજ પોઇન્ટ તપાસ્યા અને કરકસર માટે કામે લગાડ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં 13 કિલોલિટર ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ અને 4 મેટ્રિક ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો PSA પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. સ્મીમેર હોસ્પિટલ દ્વારા પણ વધારના 20 મેટ્રિક ટન ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ ઓક્સિજન ઉત્પાદન કરવા માટે જાતે પ્લાન્ટ શરૂ કર્યા હતા, જેમાં ગ્લોબલ સનશાઈન અને એપલ હોસ્પિટલ તેમજ મિશન હોસ્પિટલે 13 કિલોલિટર ટેન્ક સ્થાપિત કરી અને ઈટલીથી PSA પ્લાન્ટ મગાવ્યો હતો.
ઓક્સિજનની અછતની કોઈ સમસ્યા રહી નથી
આ પરિસ્થિતિ દરમિયાન કેટલાક ઓક્સિજન ઉત્પાદકોને ટેક્નિકલ સમસ્યાઓ નડી હતી, જેથી 8થી 12કલાક પ્લાન્ટ બંધ રાખવો પડ્યો હતો. દહેજની એક કંપનીમાં ટેક્નિકલ ખામી આવતા ત્યાંથી ઓક્સિજન મેળવતા મહાવીર, કિરણ, મિશન અને વિનસ હોસ્પિટલને ઓક્સિજન મળી શકે તેમ ન હતો. આથી ઓક્સિજન મેનેજમેન્ટ ટીમે આ હોસ્પિટલ્સને ઓક્સિજન મેળવવા માટે મદદ કરી અને કટોકટી ટાળી હતી. આ સમગ્ર કાર્યવાહી તથા વહિવટી તંત્રએ લીધેલા પગલાંના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય સતત મળતો રહ્યો હતો અને દર્દીદીઠ સરેરાશ વપરાશ પણ નીચે આવી ગયો હતો, જેથી હવે સુરતને દૈનિક 160 મેટ્રિક ટન જથ્થો મળે છે તો પણ હોસ્પિટલ્સની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ અને ઓક્સિજનની અછતની કોઈ સમસ્યા રહી નથી.