- સુરત જિલ્લા LCB દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- પોલીસે સ્થળ પરથી ત્રણની અટક કરી
- 8 હજાર લીટર જથ્થા સહિત 13 લાખનો મુદ્દામાલ કબ્જે
બારડોલી: તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસ મીલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા LCBએ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી
સુરત જિલ્લા LCBની ટીમ ચાલી રહેલા બાયોડિઝલનો ગેરકાયદે વેપલો અટકાવવા માટે અલગ-અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી-નવસારી રોડ પર તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસ મીલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ જેવું હલકી કક્ષાનું જ્વલનશીલ પ્રવાહી લોખંડની ટાંકીમાં રાખી વાહનોમાં ભરી વેચાણ કરે છે અને હાલમાં પણ તે ચાલુ જ છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં એક ટ્રક પાર્ક કરેલી હતી અને તેની ડીઝલ ટેન્ક પાસે ત્રણ શખ્સ ઉભા હતા.
પકડાયેલા શખ્સોની ગેરકાયદે બાયોડિઝલ વેચતા હોવાની કબૂલાત
પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સને પકડ્યા હતા. પૂછપરછમાં તેઓ ગેરકાયદેસર બાયોડિઝલ વેચી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી મનોજ મૂળજી પ્રજાપતિ, ગૌતમ પરશુરામ મંડીર અને રાજુભાઈ દાનાભાઈ હુણની અટક કરી હતી, જ્યારે બાયોડિઝલનો જથ્થો પૂરો પાડનાર મુંબઈના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યો હતો.
13.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
પોલીસે સ્થળ પરથી બે મોટી લોખંડની ટાંકીમાંથી 8 હજાર લીટર શંકાસ્પદ બાયોડિઝલ કિંમત રૂપિયા 5.60 લાખ, ઇલેક્ટ્રિક ફ્યુઅલ પમ્પ કિંમત રૂપિયા 35 હજાર, એક ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂપિયા 5 હજાર, ટ્રક કિંમત રૂપિયા 7 લાખ, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 11 હજાર અને અન્ય સામાન મળી કુલ 13 લાખ 11 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો- કરંજ GIDCમાં પકડાયેલી બાયોડિઝલ બનાવતી ફેકટરી મામલે પોલીસ અધિકારીઓ પર થઈ કડક કાર્યવાહી
આ પણ વાંચો- બાયોડિઝલ વિરુદ્ધ સરકારની લાલ આંખ: છેલ્લા 6 માસમાં પેટ્રોલ-ડીઝલમાં 1662 કરોડની આવક: પ્રદીપસિંહ જાડેજા