ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં કલાકો સુધી ચાલી રહેલા ચૂંટણી પ્રચારથી ઉમેદવારોને રાહત મળ્યું છે. ઉમેદવારો પોતપોતાની રીતે મતદાન બાદનો દિવસ પસાર કરી રાહત મેળવી રહ્યા છે ત્યારે નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ બુધવારે એક બાળકીનું નામકરણ કરવા પહોંચ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મહિલાએ મતદાનના દિવસે પ્રસવ પીડાને પણ ફગાવીને મહિલાઓએ મતદાન કર્યા હતાં.
સુરતના વેસુ ખાતે આવેલા આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતી રેશ્મા દીપાંશુ ગુપ્તાએ હોસ્પિટલમાં જતા પહેલા મત આપવાનું નક્કી કર્યું હતું. જેથી રેશ્માને પરિવારના લોકો તાત્કાલિક મતદાન કરવા માટે બૂથ નંબર 362માં લઈ ગયા હતા. ત્યાં મત આપીને સીધી રેશમાંને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં મહિલાએ બાળકીને અડધા કલાકમાં જ જન્મ આપ્યો હતો. બુધવારે પરિવાર દ્વારા નવસારી બેઠકના ઉમેદવાર સીઆર પાટીલનો સંપર્ક કરાયો હતો અને એક દિવસની બાળકીના નામકરણ કરવા અંગે જણાવ્યું હતું. જેથી સીઆર પાટીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને બાળકીનું નામ ઉર્વશી રાખ્યું હતું. નામકરણ કર્યા બાદ સી.આર.પાટીલ પીએમ મોદીના વારાણસી ખાતે ગુરૂવારે થનારી ઉમેદવારી નોંધવાની કામગીરી અને રોડ શોમાં સામેલ થવા માટે યુપી જવા રવાના થઈ ગયા હતા.