- નવરાત્રીને લઈને સુરત મનપા ખેલૈયાઓને વેક્સિન લઈ લેવા અપીલ
- ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નવરાત્રીનું આયોજન નહીં થાય
- શહેર-જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 82 થઈ
સુરત: શહેરમાં ધીમેધીમે કોરોનાના કેસો (Corona Cases In Surat)માં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો હોય મનપા દ્વારા લોકોને વેક્સિન (Corona Vaccine) લઇ લેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ જે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા હોય તેવા વિસ્તારમાં (Cluster Area In Surat) નવરાત્રીનું આયોજન કરી શકાશે નહીં.
એક જ એપાર્ટમેન્ટના 10થી વધુ લોકો કોરોના સંક્રમિત
નવરાત્રીને લઈને સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા તમામ ખેલૈયાઓને વેક્સિન લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં રાંદેરના પાલ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટના 10થી વધુ લોકો કોરોના સંક્રમિત આવ્યા છે. આ પાછળનું કારણ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મરાડના પટેલ ફળિયાના એક જ ઘરમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આખું ફળિયું ક્લસ્ટર કરી દઇને સર્વેલન્સની કામગીરી આરંભી દઇને આજુબાજુમાં રહેનારાઓની પણ તપાસ શરૂ કરાવામાં આવી છે.
ખેલૈયાઓને વેક્સિન લઇ લેવા મનપા દ્વારા અપીલ
હવે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. નવરાત્રીમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મનપા દ્વારા જે પણ ખેલૈયાઓનો પહેલો ડોઝ પણ બાકી હોય તેમને પહેલો ડોઝ લેવા માટે અને જેમને પહેલો ડોઝ મુકાઈ ગયો હોય અને બીજા ડોઝનો સમય થઇ ગયો હોય તો તે લઈ લેવા અપીલ કરવામાં આવી છે, જેથી કરીને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય.
ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નવરાત્રી નહીં યોજાય
આ સાથે સુરત મનપા દ્વારા અન્ય પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે પ્રમાણે જે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા હોય તે વિસ્તારમાં નવરાત્રીનું આયોજન ન કરવા અપીલ કરવામાં આવી છે. જો તેમ છતાં નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તો સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
66 જેટલા વિસ્તાર ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા
આરોગ્ય વિભાગના અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં 3 એપાર્ટમેન્ટમાં 30થી 32 જેટલા કેસો સામે આવી ચુક્યા છે. તેમજ આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે, ત્યારે લોકો એકત્ર થાય છે. જેના કારણે કોરોના વકરવાની સંભાવના છે. જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓની હિસ્ટ્રી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી હોવાની મળી છે. ત્યારે આગામી સમયમાં નવરાત્રીમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોને વેક્સિન લઇ લેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 66 જેટલા એરિયાને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નવરાત્રી મહોત્સવ ન યોજાય તે માટે અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરપ્રાઈઝ ચેકિંગ પણ ત્યાં હાથ ધરવામાં આવશે. નવરાત્રી બાદ દિવાળી તહેવાર દરમિયાન પણ કેસો ન વધે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
શાળાઓમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
સુરતમાં મનપા દ્વારા શાળાઓમાં પણ ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં ધો.8ના વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક બાળકો પણ પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેને લઈને મનપા દ્વારા સંક્રમણ વધે નહીં તે માટે શાળાઓમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ધો. 8માં RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરે સુરત શહેરમાં 8 અને જીલ્લામાં 3 કેસ મળી 11 કેસ સામે આવ્યા હતા. આજ દિન સુધી શહેર અને જીલ્લા મળી કુલ 1,43,771 કેસો સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત આજદિન સુધી મૃત્યુ આંક 2,115 થયો છે. તેમજ આજ સુધી 41,574 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે.
આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ માથું ઉચક્યું, આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક જ અઠવાડિયામાં 11 કોરોના કેસ નોંધાયા
આ પણ વાંચો: સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા