સુરતઃ સુરતમાં રૂપિયા ચાર લાખના હીરાની લેવડ-દેવડમાં હીરા દલાલની કરપીણ હત્યા થતાં ચકચાર મચી છે. કતારગામ વિસ્તારમાં આવેલી ઓફિસમાં આરોપીએ હીરાદલાલને બોલાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની ઘટના બાદ પોલીસે કરેલી તપાસ દરમિયાન હકીકત બહાર આવી હતી કે મૃતક હીરા દલાલ આરોપીને બ્લેકમેલ કરતો હતો. બાદમાં હત્યાનો પ્લાન ઘડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના વાઈરસને કારણે છેલ્લા બે મહિનામાં ક્રાઈમમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરી એની એ જ સ્થિતિ સર્જાઈ છે. સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલની હત્યાની ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે. હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ રાખોળિયા નામના વ્યક્તિની ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી બારડોલીયા પ્લોટની ઓફિસમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. સંદીપ વશરામભાઈ પટેલ નામના શખ્સ દ્વારા હીરા દલાલને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ દોડતી થઈ હતી. કતારગામ પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક હીરા દલાલ કાંતિ રાખોળિયા અને સંદીપ પટેલ વચ્ચે લાખોના હીરાની લેવડ - દેવડ મામલે માથાકૂટ ચાલતી હતી. 4 લાખના રૂપિયાના હીરાની માથાકૂટમાં મૃતક કાંતિ રાખોળિયા સંદીપ પટેલને હેમખેમ રીતે કોઈક કારણોસર બ્લેકમેલ કરતો હતો. જેથી રોષે ભરાયેલા સંદીપે પોતાની ગોટાલાવાડી વિસ્તારમાં આવેલી બારડોલીયા પ્લોટની ઓફિસમાં કાંતિ રાખોળિયાને બોલાવી મોતને ઘાટ ઉતાર્યો.
આ ઘટનામાં હાલ પોલીસે હાલ હત્યારા સંદીપ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.