સુરતના ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થયું છે. એસએમસી આવાસમાં રહેતા 19 વર્ષીય વિજય શ્રાવણ બોરકર મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી સોમવારે રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. જે દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે ઝઘડો થયો હતો. રાસ ગરબામાં ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ રવિ પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયને છાતીમાં ચપ્પુ ઘૂસાડી દેતા વિજયનું મોત થયું હતું.
વિજયની હત્યા બાદ રાંદેર પોલીસે સમગ્ર મામલે હત્યા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય કાર સર્વિસમાં નોકરી કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિજયના મોત બાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.