- નવી સિવિલ હોસ્પિટલમાં 56 કોરોના વોરિયર્સ નિભાવે છે ફરજ
- સુરતની સિવિલમાં અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ આવે છે
- ટ્રાએજ એરિયામાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ
સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે હોસ્પિટલ્સ પણ હાઉસફૂલ થઈ ગઈ છે. ત્યારે નવી સિવિલ હોસ્પટલમાં ટ્રાઈજ એરિયામાં વેન્ટિલેટર સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવી રહી છે. બાળ રોગ વિભાગના વડા ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયા દરમિયાન ગુજરાત સહિત આસપાસના મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના તથા રાજ્યના વલસાડ, તાપી, ભરૂચ, અમદાવાદ, જૂનાગઢ સહિતના અન્ય જિલ્લાઓના દર્દીઓ સારવાર માટે સિવિલમાં આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સિવિલમાં દરરોજ અંદાજિત 175થી 190 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આ પૈકી ટ્રાએજ એરિયામાં 30થી વધુ ક્રિટિકલ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. તેવા સમયે સિવિલના ટ્રાએજ એરિયાના ડોકટર, નર્સિંગ, કન્સલ્ટન્ટ કાબિલેદાદ કામગીરી કરી રહ્યા છે.
![ટ્રાએજ એરિયામાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11539572_sur_a_7200931.jpg)
બાયપેપ, વેન્ટિલેટરની જરૂરી સારવાર શરૂ કરવામાં આવે છે
નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમસેલ બિલ્ડિંગમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દીને લઈ એમ્બ્યુલન્સ પ્રવેશે છે ત્યારે સમયનો વ્યય કર્યા વિના કોવિડના દર્દીઓની પરિસ્થિતિના આધારે તાત્કાલિક ઓક્સિજન, બાયપેપ, વેન્ટિલેટરની જરૂરી સારવાર શરૂ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અન્ય વોર્ડમાં સ્થળાંતર કરવાની સમગ્ર ઝિણવટભરી કામગીરી ટ્રાએજની તબીબી ટીમ નિભાવી રહ્યા છે.
![નવી સિવિલ હોસ્પિટલમાં 56 કોરોના વોરિયર્સ નિભાવે છે ફરજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11539572_sur_b_7200931.jpg)
24 અદ્યતન સુવિધા સાથેના બેડ ઉપલબ્ધ
નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસીન વિભાગના વડા ડો. કે. એન. ભટ્ટે જણાવ્યું હતું કે, કોવિડ-19 બિલ્ડીંગના ટ્રાએજ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવ ક્રિટીકલ ICU બેડ તથા સેમી ક્રિટિકલના 15 બેડ મળી કુલ 24 અદ્યતન સુવિધા સાથેના બેડ ઉપલબ્ધ છે. આ રૂમમાં ઓકિસજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સમાં દર્દી આવે ત્યારે સીધુ OPDમાં દાખલ ન થતા ટ્રાએજ એરિયામાં સેટલ કરીને તેમને જરૂરિયાત અનુસાર સારવાર આપવામાં આવે છે.
![સુરતની સિવિલમાં અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ આવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11539572_sur_7200931.jpg)
24 કલાક દરમિયાન ત્રણ શિફ્ટમાં કામગીરી કરવામાં આવે છે, જેમાં એક શિફ્ટના ક્રિટિકલ વોર્ડમાં 4 ડોકટર, ત્રણ નર્સિંગ, બે સર્વન્ટ મળી કુલ 9નો સ્ટાફગણ છે. આમ સેમી ક્રિટિકલમાં 9 મળી એક શિફટમાં 18 એમ ત્રણ શિફટમાં કુલ 56 કોરોના વોરિયર્સ ફરજ બજાવી રહ્યાં છે. હાલ સિવિલમાં રોજના 30થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આમાં ડો. ચિરાગ પટેલ, ડો. શ્રીરામ, ડો.નવીન કિન્ડોલે, ડો. કેયૂર પટેલ, ડો. પૂજા જાજરી સહિતના સ્ટાફગણ ટ્રાએજ એરિયામાં પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે.
મુખ્ય આધારસ્તંભ ભાગ ટ્રાએજ એરિયા
ટ્રાએજ એટલે હોસ્પિટલનો એ વિસ્તાર જ્યાં દર્દીને સૌથી પહેલા લાવવામાં આવે અને નિષ્ણાત તબીબી ટીમ દ્વારા તેની શારીરિક સ્થિતિ અને રોગની ગંભીરતાને ચકાસવામાં આવે છે. ઈમરજન્સીનો મુખ્ય આધારસ્તંભ ભાગ ટ્રાએજ એરિયા હોય છે. દર્દી માટે લાઈફસેવિંગ બની રહે છે. જ્યારે વધુ દર્દીઓ એકઠા થાય ત્યારે ક્યાં દર્દીને તેની હાલત જોતા સારવારની ક્રમશઃ પ્રાથમિકતા આપવી એને ટ્રાએજ પ્રક્રિયા કહેવાય છે.
સૈનિકો, અસરગ્રસ્ત લોકોને સારવાર માટેની પ્રાથમિકતા
યુદ્ધ અને આપત્તિમાં ઈજાગ્રસ્ત થયેલા ગંભીર સૈનિકો, અસરગ્રસ્ત લોકોને સારવાર માટેની પ્રાથમિકતા આપવા અને એ દ્વારા મૃત્યુનું પ્રમાણ ઘટે એ હેતુથી ટ્રાએજ પ્રોસેસને અનુસરવામાં આવે છે, અને ઓછા સમયમાં જરૂરી સઘન સારવાર આપવામાં આવે છે. હાલ ટ્રાએજમાં મુખ્યત્વે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ આવે છે. તેમના લક્ષણ પ્રમાણે કઈ પ્રકારની સારવારની જરૂરિયાત છે એનું તાત્કાલિક આકલન કરીને દર્દીઓને વેન્ટીલેટર અને બાયપેપ પર રાખવા માટે ICU અને NICUમાં મોકલી આપવામાં આવે છે.