- પીઓપીની બનેલી ગણેશજીની પ્રતિમાઓનું દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યું
- પાંડેસરાના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી
- નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી
સુરત: અનંત ચૌદશના રોજ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POPની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જિત કરી હતી.
1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી
સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપ્પન થયું હતું. મનપાએ કુત્રિમ તળાવો પણ બનાવ્યા હતા, પરંતુ સુરતમાં કેટલીક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના નેજા હેઠળ સુરતના ડીંડોલી, ચલથાણ જેવા અલગ-અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જિત કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના પાંડેસરાના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.
પ્રતિમાઓનું આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા નહેરોમાંથી POPની અર્ધવિસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતી આવી છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓની સ્થાપના કરવા જાગૃત કરતી આવી છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓનું ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. આ કાર્ય સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનોના સહભાગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો: સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જનની શરૂઆત, શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વધુ વાંચો: સુરતમાં ફરી વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, જે સ્કૂલમાંથી કેસ મળ્યો એ સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ