સુરત: સુરત શહેરના હીરા ઉદ્યોગને લગતી મશીનરી બનાવનાર જાણીતી કંપનીઓ પર કોપીરાઈટના (Action Against Copyright in Surat) મુદ્દે કાર્યવાહી થઈ છે. મહાનગર સુરતના વરાછા, કતારગામ અને કાપોદ્રામાં ડાયમંડ મશીનરીના કોપીરાઈટ (Diamond Machines Copyright Issue) ભંગ બદલ તપાસ શરૂ થઈ હતી. કોર્ટ કમિશન તથા પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી હતી. જેમાં 200થી વધારે નાની મોટી કંપનીઓ અડફેટે ચડી ગઈ છે. આ અંગે તમામ એકમોને કાયદેસરની નોટીસ (Legal Notice in Case of Copyright Surat) ફટકારવામાં આવી છે. સુરત ડાયમંડ એસો.ને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે. આ સાથે એસો.ના હોદ્દેદારોએ સરકારને રજૂઆત કરવા અંગેની વાત ઉચ્ચારી છે.
એસો.ના મંત્રીની વાત: સુરત ડાયમંડ એસો.ના મંત્રી ધામજી મવાણીએ આ મુદ્દે જણાવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં જુદા જુદા મશીન બનાવતી એક જાણીતી કંપની દ્વારા આર્થિક તાકાત અને વગનો ઉપયોગ કરી એકમોને નોટિસ ફટકારી છે. આ કારણે કોપિરાઈટના ભંગ બદલ વરાછા, કતારગામ, કાપોદ્રાની હીરાની નાની-મોટી 200 કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી થઈ છે. જે યોગ્ય નથી કારણ કે તાજેતરમાં હીરા ઉદ્યોગ રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારોની રોજગારીનો પ્રશ્ન છે. ત્યારે આવી અચાનક કાર્યવાહીથી હીરાના કારખાનાઓ બંધ થઈ જાય એવી ભીતિ સેવાઈ રહી છે. રત્નકલાકારોને કામ ન મળે એવા દિવસોના એંધાણ છે.
આ પણ વાંચો: Surat Diamond Industry: રશિયા યુક્રેન યુદ્ધથી ડોલરનો ભાવ વધતા રફ ડાયમંડની ખરીદી અટકી
સરકારમાં રજુઆત: આ વિષયને લઈને સરકારમાં રજુઆત કરવામાં આવશે. સુરતના કારખાનાઓમાં કામ અટકી જવાની શક્યતા પણ ડાયમંડ એસોસિયેશને વ્યક્ત કરી છે. સમગ્ર હીરા ઉદ્યોગના આર્થિક હિતમાં 200 જેટલા એકમોને નોટિસ દેવાઈ છે. એનો વિરોધ થશે. જે કંપનીઓ પર કોપિરાઈટની કાર્યવાહી થઈ છે. એ તમામને એક છત નીચે ભેગી સરકારને રજૂઆત કરાશે. જેની આગેવાની સુરત ડાયમંડ એસો. કરશે. ડાયમંડ મશીનરી બનાવતી કંપની દ્વારા શરૂ કરાયેલી કોપિરાઈટની કામગીરીને કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થાય એમ છે. આ ઉપરાંત રત્નકલાકારો પણ મુશ્કેલીમાં મૂકાય એમ છે.