- કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી મંડપ ઇન્ડસ્ટ્રીઝમાં ભારે મંદી
- કેસો ઓછા થવા છતાં મંડપ ઇન્ડસ્ટ્રીઝમાં ડિમાન્ડ નહિવત
- ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીઓ અન્ય ધંધા કરવા માટે મજબૂર
સુરત : કોરોના કાળમાં દરેક વેપાર ધંધા પર માઠી અસર પડી હતી, જેમાં મંડપ ઇન્ડસ્ટ્રીઝ પણ બાકાત નથી. એક વર્ષ પહેલા બીજી લહેર દરમિયાન ઇન્ડસ્ટ્રીઝને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ વખતે પણ ઉદ્યોગને આશરે 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મંડપ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ આ વેપાર છોડીને બીજો ધંધો કરવા પર મજબુર થઈ ગયા છે, એટલું જ નહીં મહારાષ્ટ્રમાં કોરોના અને પૂરના કારણે જે હાલની પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ગણેશ ઉત્સવ પર 100 કરોડ રૂપિયાનો વેપાર થતો હતો તે પણ થઈ શકશે નહીં.
આ પણ વાંચો: Surat Textile Industry - કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન
એશિયામાં સૌથી મોટુ ટેક્સટાઇલ હબ સુરત
સુરતના દરેક પ્રકારના કાપડ દેશના દરેક ખૂણે જાય છે. દેશના કોઇપણ ખૂણામાં લગ્ન હોય કે મોટો પર્વ હોય તેના મંડપનું કાપડ સુરતથી જતું હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં આ ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે. કોરોનાની સાથો સાથ સરકારની ગાઇડલાઇનના કારણે અનેક પર્વ અને લગ્ન સિઝનમાં નિયમો અને પ્રતિબંધ હોવાના કારણે સુરતના મંડપ ઉદ્યોગ મંદીથી પસાર થઇ રહ્યો છે. સુરતના ઉના પાણી રોડ ખાતે ખાસ મંડપ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીઓની માર્કેટ છે, પરંતુ માર્કેટમાં અડધી દુકાનો બંધ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોથી ડિમાન્ડ ન હોવાના કારણે વેપારીઓ આ ધંધો છોડીને બીજો વેપાર કરવા પર મજબુર થઈ ગયા છે.
આ વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનું નુકસાન
મંડપ ક્લોથ એસોસિએશન પ્રમુખ દેવ કુમાર સચેતીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનાના કારણે લગ્નસરામાં અનેક પ્રસંગો રદ થયા હતા, એટલું જ નહીં અનેક પર્વ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. જેના કારણે આ ઉદ્યોગને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ વખતે પણ આવી જ પરિસ્થિતિનો સામનો મંડપ ઉદ્યોગ કરી રહ્યો છે. આ વર્ષે અમને અંદાજે 400 કરોડ રૂપિયાની આસપાસનું નુકસાન થયું હોવાનો અંદાજો છે. આ વેપાર સાથે સુરતના 300થી પણ વધારે વેપારીઓ જોડાયા હતા, પરંતુ તેમાંથી પણ નુકસાન જતા 50થી 100 જેટલા વેપારીઓ અન્ય ધંધા તરફ વળ્યા છે. ડિમાન્ડ ન હોવાના કારણે જુના માલ ડમ્પ થઈ ગયા છે.
આ પણ વાંચો: કોરોના ઇફેક્ટઃ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને આ વર્ષે 14,500 કરોડ રૂપિયાનું નુકસાન
ગણેશ ઉત્સવ ન થતા પર 100 કરોડનું નુકસાન
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના વેપારીઓ દર વર્ષે ગણેશ ઉત્સવના સમયે મહારાષ્ટ્રમાં મંડપનું કાપડ મોકલતા હતા. જેના થકી 100 કરોડ રૂપિયાથી પણ વધુ વેપાર થતો હતો, પરંતુ આ વખતે જે રીતે મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને સાથોસાથ ગણેશ ઉત્સવને લઇને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, તેના કારણે મોટા આયોજન થઇ શકે એમ નથી. આજ કારણ છે કે આ વખતે ડિમાન્ડ નથી. લોકો જૂના મંડપના કાપડ જ વાપરી રહ્યા છે. વધુમાં યુપી અને બિહારમાં પણ ભારે વરસાદના કારણે લગ્નના મોટા આયોજન થઇ શકે એમ નથી. બીજી બાજુ કોરોનાની ગાઇડલાઇનના કારણે ગણતરીના લોકોને જ લગ્નમાં બોલાવવામાં આવે છે, આથી, લોકો બેન્કવેટ હોલમાં લગ્ન કરાવી રહ્યા છે. જ્યાં મંડપના કાપડનો ઉપયોગ થતો નથી.