સુરત: વિશ્વભરમાં દસમાંથી આઠ હીરા સુરતમાં કટીંગ થાય છે. વિશ્વભરમાં સુરતના હીરાની ચમક જોવા મળે છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં હીરા ઉદ્યોગ પાસે વેપારના રહેતા કરોડો રૂપિયાનું નુકસાન હીરા ઉદ્યોગને થયું છે. સુરતમાં મોટાપાયે આ ઉદ્યોગના કારણે રોજગાર મળતો હોય છે. વિશ્વભરમાં કોરોના મહામારી અને વૈશ્વિક મંદી તેમજ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ જેવી પરિસ્થિતિની સાથે ડોલરના ભાવો અનેક પરિબળો હીરાઉદ્યોગ માટે ગ્રહણ સમાન બની ગયું છે.
- ડાયમન્ડ ઉદ્યોગને બે ક્વાર્ટરમાં આ વર્ષે 40 હજાર કરોડથી પણ વધુ બિઝનેસ લૉસ
- 2019ની સરખામણીમાં પ્રથમ ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં હીરા ઉદ્યોગને 14670 કરોડનું બિઝનેસ નુકશાન
- બીજા ક્વાર્ટર એપ્રિલ, મે અને જૂનમાં 25522 કરોડનું બિઝનેસ નુકશાન
- પ્રથમ ક્વાર્ટરમાં 35 ટકા અને બીજા ક્વાર્ટરમાં 62 ટકા બિઝનેસ નુકશાન
- કુલ 40192 કરોડનું બિઝનેસ નુકસાન હીરા ઉદ્યોગને થયું
હીરા ઉદ્યોગની સાથે સાથે જ્વેલરી ઉદ્યોગને પણ નકારાત્મક અસર સાફ જોવા મળી છે. સુરતમાં મોટા પાયે ડાયમંડ જ્વેલરીની સાથે સિલ્વર અને ગોલ્ડન જ્વેલરી પણ તૈયાર કરવામાં આવે છે. અહીંથી એક્સપોર્ટ થાય છે, પરંતુ બે ક્વાર્ટરમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ખાસ્સો બિઝનેસ લોસ થયો છે.
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં 85 ટકા જેટલો બિઝનેસ લોસ થયો છે. છેલ્લા બે મહિનાથી જે રીતે હીરા ઉદ્યોગ અને જરૂરી ઉદ્યોગની સ્થિતિ દયનીય બની છે. તેની સીધી અસર રત્નકલાકારો ઉપર થઈ રહી છે. કોરોના કાળના કારણે હાલ સીમિત રત્નકલાકારો સાથે હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે હાલ માત્ર 35 ટકા જેટલા હીરાઓ ઉદ્યોગમાં રત્ન કલાકારો કાર્યરત થયા છે. રોજગાર ન હોવાના કારણે અનેક રત્નકલાકારો પોતાના વતન ચાલ્યા ગયા છે.
હવે નવી પાલિકાની એસઓપીના કારણે એક ઘંટી ઉપર બે રત્નકલાકારો બેસી શકશે. જેથી વધુ રોજગારી રત્ન કલાકારોને મળી રહે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. બીજી બાજુ વૈશ્વિક બજારમાં 25 હજારથી ઓછી કિંમતના ડાયમંડની માંગ વધતા આજે રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ગયાં છે. તેઓ આવા પાટલા ડાયમંડ બનાવી ત્યાંથી જ વેપાર કરી શકશે. આ સાથે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યાં છે કે, તેઓ તેના કારણે હીરા ઉદ્યોગમાં પણ રોજગારી મેળવી શકશે અને પોતાના ખેતીવાડીને પણ ધ્યાન આપી શકશે.