- વેક્સિનનો જથ્થો ન હોવાથી હજારો લોકો ખાઈ રહ્યા છે ધક્કા
- માત્ર 100 લોકોને ટોકન આપીને વેક્સિન આપવામાં આવે છે
- સોસાયટીમાં જ કેમ્પ લગાવીને વેક્સિનેશન કરવામાં આવે તેવી માગ
સુરત : શહેરમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે અમુક વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અમુક જગ્યા પર લાંબી લાઈનો લાગેલી છે. તેમાં લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સુરતના પુણા ખાતે સ્થાનિકોએ વેક્સિન ન મળવાને કારણે વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી હેરાન થતા હોવાનો સ્થાનિકોએ સોસાયટીમાં જ વેક્સિનેશન કેમ્પ યોજાય તેવી માગ કરી છે.
સેન્ટર પર જઈએ તો વેક્સિન આપો, અથવા તો સોસાયટીમાં આવીને વેક્સિન આપો
સોસાયટીમાં 125 લોકોને વેક્સિનના બીજો ડોઝનો સમય પૂર્ણ થયા બાદ પણ વેક્સિન મળી રહી નથી. જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિક મનિષાબેને જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયાથી અમે ધક્કા ખાઇ રહ્યા છે. પણ નંબર આવી રહ્યો નથી. અમારી માગ છે કે, અમને સેન્ટર પર જઈએ ત્યારે વેક્સિન આપવામાં આવે અથવા તો પછી અમારી સોસાયટીમાં આવીને વેક્સિનેશન કરવામાં આવે. જેથી વારંવાર ધક્કા ખાવા પડે નહીં.
એક અઠવાડિયાથી ખાવા પડી રહ્યા છે ધક્કા
અન્ય સ્થાનિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે સેન્ટર પર જઈએ છીએ ત્યારે ત્યાં જાણવા મળે છે કે, માત્ર 100 લોકોને ટોકન આપીને વેક્સિન આપવામાં આવી રહ્યા છે. બાકીના લોકોને હાથમાં ટોકન આપવામાં આવે છે. જેથી અઠવાડિયાથી અમે ધક્કા ખાઇ રહ્યા છે. અમારી માગ છે કે, જે લોકોને મેસેજ આવ્યા હોય તે લોકોને જ બીજો ડોઝ આપવામાં આવે અથવા વેક્સિનેશન સેન્ટર ઉપર બદલાવ કરવામાં આવે અથવા અમારી સોસાયટીમાં કેમ કરીને વેક્સિન આપવામાં આવે.