- સહારા દરવાજા પાસેના પાર્કિંગમાં ટેમ્પોમાંથી દારૂનો જથ્થો મળ્યો
- દારૂના કટિંગ દરમિયાન પોલીસે દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો
- પોલીસે મહેન્દ્ર મેવાડા અને બૂટલેગર સંભાને વૉન્ટેડ જાહેર કર્યા
સુરત: શહેર ઇન્ટુક પ્રમુખ છગન મેવાડાના સહારા દરવાજા સ્થિત પાર્કિંગમાં પાર્ક કરેલા એક ટેમ્પોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો છગન મેવાડાના પુત્ર મહેન્દ્ર અને ગોડાદરાના બૂટલેગર સંભાનો હોવાનું જાણવા મળતા પોલીસે બન્નેને વૉન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે બાતમીના આધારે પાડ્યો દરોડો
સહારા દરવાજા પાસે આવેલા મેવાડા પાર્કિંગમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે, આ પાર્કિંગમાં રાજસ્થાનથી આવેલા ટેમ્પોમાં ચોરખાનું બનાવીને મોટા જથ્થામાં દારૂ લાવવામાં આવ્યો હતો. દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડીને શિવલાલ પન્નાલાલ માળી, નરેન્દ્ર લાલ લોહાર અને ટેમ્પો ચાલક નરેન્દ્ર સંતોષને ઝડપી લીધા હતા. બન્ને વાહનોમાંથી પોલીસે કુલ 3,98,400 ની કિંમતના વ્હિસ્કીના 3884 નંગ પાઉચ કબજે કર્યા હતા. આ જથ્થો પાર્કિંગ સંચાલકના પુત્ર અને ગોડાદરાના બૂટલેગર સંભો ભાગવત પાટીલે મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
દારૂના જથ્થા સાથે મારા પુત્રને કોઈ સંબંધ નથી
આ સમગ્ર મામલે સુરત શહેર ઇન્ટુક પ્રમુખ છગન મેવાડાએ જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ મારા નામે છે પરંતુ તે અમે બીજાને ભાડે ચલાવવા આપ્યો છે. પાર્કિંગમાંથી દારૂના જથ્થા સાથે ટેમ્પો પકડાયાની જાણ મને સવારે થઈ હતી. ત્યાંના કર્મચારીએ ફોન કરીને મને જાણકારી આપી હતી. પાર્કિંગ ચલાવવા આપ્યું છે. દારૂના જથ્થા સાથે મારા પુત્રને કોઈ સંબંધ નથી.