- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમા
- તમામ પક્ષોએ જીત મટે તૈયારી શરૂ કરી
- સી.આર.પાટીલે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા
સુરતઃ આજે બુધવારે સી.આર.પાટીલે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું કેજરીવાલને પ્રશ્ન પૂછવા માંગીશ કે તે દિલ્હીમાં કોઇ કામ કરે તો તેના સરકારી ખર્ચે ગુજરાતમાં શા માટે જાહેરાત કરો છો. જો તેમને ચૂંટણીલક્ષી વાત કરવી હોય તો તે અહીંના લોકો સાથે મળે દિલ્હીમાં બેસીને સુરત કોર્પોરેશન ચલાવી શકાય નહીં. જેના પરથી સાબિત થાય છે કે, તે આ ચૂંટણીને લઇ સિરિયસ નથી. સુરત સૌથી સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવે છે. જે હાલ દિલ્હીમાં પણ નથી. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા પણ હલ કરી શકતા નથી, ત્યારે સુરતમાં આટલા બધા ઔદ્યોગિક એકમો હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણમાં છે. સુરત મહાનગરપાલિકાના પાણીની વાત કરવામાં આવે તો દેશભરમાં સૌથી ઓછો રેટ અહીંની પાલિકાનો છે. અહીં લોકોને સસ્તી સુવિધાઓ આપવા માટે અગાઉથી જ કામ ચાલી રહ્યું છે, તો કેજરીવાલના વાયદાઓ દિલ્હીમાં ચાલી ગયા પરંતુ અહીં ચાલશે નહીં.
બદલો ગુજરાતની પ્રજા લેશે
રાહુલ ગાંધી ઉપર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતનું અપમાન કરવું અને ગુજરાતીઓને જેમ-તેમ બોલવું એ રાહુલ ગાંધી અને કોંગ્રેસની આદત છે. હું તમને કહેવા માગું છું કે, જ્યારે તે આસામમાં બોલી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં એક કાગળ હતું. જે જોઈને તે ભાષણ આપી રહ્યા હતા. આમાં તેમની મૌલિકતા કેટલી છે. એમને ગુજરાતીઓ અંગે કોઇ જાણકારી નથી તેમને ખબર નથી કે ગુજરાતી જ્યાં પણ જાય છે, પોતાનું ફંડ લઈને જાય છે અને ઇન્વેસ્ટ કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. આ સાથે જ લોકોને રોજાગારી આપે છે. જેથી રાહુલ ગાંધીનો બદલો ગુજરાતની પ્રજા લેશે.