- કુલ રૂપિયા 8.39 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપાયો
- DGP આશીષ ભાટિયાએ PI પી.એ. વળવીને કર્યા સસ્પેન્ડ
- ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવામાં રહ્યા નિષ્ફળ
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપુરા ગામે આવેલી વિધાતા ઈન્ડસ્ટ્રીઝ ભાગ-3ના પાછળના ભાગેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 18 ઓક્ટોબરે હરીપુરાના લિસ્ટેડ બુટલેગર જયંતીલાલ ઉર્ફે શંભુ ઢીમ્મરનો વિદેશી દારૂનો કુલ રુપિયા 8.39 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેના અનુસંધાને દારૂની પ્રવૃત્તિઓ રોકવાની નિષ્ફળતા બદલ DGP આશીષ ભાટિયા દ્વારા સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ સ્ટેશન PI પી.એ. વળવીને સસ્પેન્ડ કરતા ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળી હતી બાતમી
ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાનાં હરીપુરા ગામનો લિસ્ટેડ બુટલેગર જયંતીલાલ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મરે અશોક લેલનના ટેમ્પામાં બિનઅધિકૃત રીતે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી કડોદરા GIDCના હરીપુરા વિધાતા ઈન્ડસ્ટ્રીઝ ભાગ-3ના પાછળના ભાગે લાવવાનો છે.
કુલ રૂપિયા 8.39 લાખનો મુદ્દામાલ કબ્જે
બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેડ કરી બે શખ્સો દિપક પાંડુરંગ પાટીલ તથા નરેશકુમાર ધોન્દુભાઈ આગડેને ઝડપી પાડ્યા હતા. જ્યારે કાર્ટિંગ કરી રહેલા ત્રણ શખ્સો પોલીસની રેડ જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે ટેમ્પોમાંથી તેમજ બે રિક્ષાઓમાંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી કુલ 2, 230 બોટલ કિંમત રૂપિયા 4.96 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર્ટિંગ માટે બે બાઇ મળી કુલ 8.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ફરજ બજાવવામાં રહ્યા નિષ્ફળ
આ ઘટના સામે આવતા દારૂની પ્રવૃત્તિઓની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિઓ રોકવાની નિષ્ફળતા બદલ DGP આશીષ ભાટિયા દ્વારા કડોદરા GIDC પોલીસ સ્ટેશન PI પી.એ. વળવી વિરૂદ્ધ પગલા લઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.