- 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ
- સુરતની જલ્પા ઠક્કરે 200થી વધુ મહિલાને આપી રોજગારી
- 5,000 રૂપિયાથી આ સ્ટાર્ટ-અપ કર્યું શરૂ
સુરત: આવતી કાલે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે અનેક મહિલાઓ એવી છે જે અન્ય મહિલાઓને ઓળખ આપવા માટે કટિબદ્ધ બની છે. આમાં એક સુરતની જલ્પા ઠક્કર પણ છે. જલ્પાના કારણે હાલ દેશ અને વિદેશમાં કચ્છી અને વણઝારા સમાજના લોકોની કળા લોકો ઓળખવા લાગ્યા છે. તેમની પરંપરાગત કળા અને જ્વેલરીની ડિમાન્ડ જલ્પા ઠક્કરને કારણે વધી છે. જલ્પા ઠક્કરે સ્ટાર્ટ-અપ શરૂ કરવા અંગે વિચાર્યું હતું, ત્યારે તેમને લાગ્યું કે તેના સ્ટાર્ટ-અપ થકી ગામડાઓની મહિલા અને આદિવાસી વિસ્તારમાં રહેતી મહિલાઓની કળાને એક ઓળખાણ મળી રહે તે કાર્ય કરવું સારૂં છે. માત્ર 5,000 રૂપિયાથી આ સ્ટાર્ટ-અપ જલ્પાએ શરૂ કર્યું હતું અને આજે તેમના સ્ટાર્ટ-અપના કારણે ગામડાઓમાં રહેતી 200થી વધુ મહિલાઓની કળા આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો
કચ્છી ડિઝાઈન અને વણઝારા ઘરેણાં લોકો ભૂલી ગયા હતા
જલ્પા કચ્છ અને વણઝારા સમાજની મહિલાઓને કળાથી આટલી હદે પ્રભાવિત થઈ ગયા હતા કે તેમના ઓર્નામેન્ટ્સથી માંડી તેમની ડિઝાઇનને ઓળખ આપવા માટે એક ફર્મની શરૂઆત કરી હતી. આજે બેઝિક કચ્છી ડિઝાઈન અને વણઝારા ઘરેણાં જે લોકો ભૂલી ગયા હતા તેને મહિલાઓ ખૂબ જ પસંદ કરી રહી છે અને આ ઘરેણાંઓ આજના દિવસે ટ્રેન્ડ બની ગયા છે. એટલું જ નહીં જલ્પાએ બિહારમાં રહેતી મહિલાઓ પાસેથી મધુબની કળાના માસ્ક બનાવી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને ઓળખ આપી હતી.
અનેક મહિલાઓ પોતાના ગામડાથી જ ઓર્ડર પૂર્ણ કરીને તેમને મોકલે છે
આ અંગે જલ્પાએ જણાવ્યું હતું કે, મહેનત કરવાથી કશું પણ અશક્ય નથી. મહિલાઓની કળાને વિશ્વ સામે મૂકવા માટે આ સ્ટાર્ટ-અપની શરૂઆત કરી હતી. આજે અનેક મહિલાઓ પોતાના ગામડાથી જ ઓર્ડર પૂર્ણ કરીને તેમને મોકલે છે. જેમાં પરંપરાગત ડિઝાઇનના ઓર્નામેન્ટ લોકોને ખૂબ જ પસંદ આવે છે.