કીમમાં સામાન્ય કરિયાણાની દુકાન ચલાવતા દિલીપભાઈ મંત્રીને 9 વર્ષનો એક બાળક છે, પરંતુ કુદરતની કઠણાઈ હોય ત્યાં કોનું ચાલે..! બાળકનો જન્મ જ એક સ્કેલેટલ ડિસ્પ્લેસિયા નામની ગંભીર બીમારી સાથે થયો. હાલ પ્રિન્સ કીમની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પ્રિન્સના જન્મ વખતે જ ડોકટરે માતા-પિતાને જણાવ્યું હતું કે, પિન્સને હાડકાની ગંભીર બીમારી છે, જેથી ફેક્ચર થવાનો ભય રહેશે. ડોક્ટરના આ શબ્દો સાંભળી પ્રિન્સના માતા પિતાના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ હતી.
માતાએ હિંમત હાર્યા વિના પ્રિન્સને પેન્સિલ પકડતા શીખવ્યું, મોબાઈલ શીખવ્યો, વાંચતા-લખતા શીખવ્યું અને ગીતાના અધ્યાય પણ શીખવ્યા. આજે પ્રિન્સની ગણતરી એક હોશિયાર છોકરામાં થાય છે. પ્રિન્સની અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને માતા-પિતાએ વિદ્યાલયના આચાર્યનો સંપર્ક કરી તેને શાળામાં અભ્યાસ માટે મોકલ્યો, ત્યારબાદ શાળાએ પ્રિન્સની ત્રીજા ધોરણની પરીક્ષા લીધી અને પરિણામ જોઈ આચાર્ય પણ અચંબિત થઈ ગયા હતા. અંગ્રેજીમાં 80 માર્ક્સમાંથી 80 માર્ક્સ તો ગુજરાતીમાં 75 અને પર્યાવરણમાં 69 માર્ક્સ. આવું પરિણામ જોઈ શાળાએ પ્રિન્સને ચોથા ધોરણમાં પ્રવેશ આપ્યો.
હાલ પ્રિન્સ સુતા સુતા શાળામાં અભ્યાસ કરે છે. પ્રિન્સને શિક્ષકો જ નહીં પરંતુ તેના સહઅધ્યાયીઓ પણ પ્રોત્સાહન આપે છે. અભ્યાસ માટે જીવન સામે લડી રહેલા પ્રિન્સની પીડા માત્ર પિન્સ જ સમજી શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે, હાડકાની ગંભીર બીમારીથી પીડાતા પ્રિન્સનું અભ્યાસ પ્રત્યેનું મક્કમ મનોબળ અને માતા-પિતાની પુત્ર પ્રત્યેની સંભાળ. ઉપરાંત શાળાના શિક્ષકોનું પ્રિન્સ પ્રત્યેનું સમર્પણ સમગ્ર સમાજ માટે પ્રેરણા પુરૂ સાબિત થઈ રહ્યું છે.