- રાજ્યમાં હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો
- લોકડાઉનમાં ગુજરાતમાં હીરા ઉદ્યોગને થયો નફો
- ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, બન્નેમાં નોંધાયો વધારો
સુરત: છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાને કારણે અનેક ઉદ્યોગો પર માઠી અસર પડી છે. ત્યારે હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે તો સુરતના હીરા ઉદ્યોગને કોરોનાકાળ ફળ્યો છે. ગત વર્ષ કરતાં કોરોનાકાળમાં ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ, રફ ડાયમંડનો ઈમ્પોર્ટ વધ્યું છે. જ્વેલરી એક્સપોર્ટ 8 હજાર કરોડ સુધી પહોંચતાં ઉદ્યોગમાં નવી આશાનું સર્જન થયું છે.
આ પણ વાંચો: સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ, એસએમસીની ટીમ ડાયમંડ ફેક્ટરી બંધ કરવામાં નિષ્ફળ ગઈ
જ્વેલરી એક્સપોર્ટ 8 હજાર કરોડ સુધી પહોંચતાં આશાનુ્ં કિરણ સર્જાયું
કોરોનાકાળમાં સમગ્ર ભારત દેશમાં 3 મહિના સુધી લોકડાઉનની પરિસ્થિતિ હતી. જેના કારણે હીરા ઉદ્યોગ પણ બંધ રહ્યો હતો. લોકડાઉન ખુલતા જ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્વેલરીની માગ વધતા હીરા ઉદ્યોગને નવી શક્તિ મળી હતી. કોરોનાકાળમાં આંતરરાષ્ટ્રીય માર્કેટની ડિમાન્ડને પૂર્ણ કરવા માટે સૌથી વધારે મુશ્કેલી હતી. કોરોનાકાળ હોવા છતાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ખાસ પરવાનગી આપીને મુંબઈથી પોલિશ્ડ ડાયમંડ સુરત લાવવામાં આવ્યા હતા. જેના કારણે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટ વધારી શક્યા હતા.
આ પણ વાંચો: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગ ચાલુ રાખવા કલેક્ટરને કરાઇ રજૂઆત
આ વર્ષે 8 હજાર કરોડથી પણ વધુનો એક્સપોર્ટ ગ્રોથ
વર્ષ 2019-20ના રફ ડાયમંડના ઇમ્પોર્ટની વાત કરવામાં આવે તો તે 48,621 કરોડ રૂપિયાનો હતો. જ્યારે કોરોનાકાળ 2020-21માં રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં વધારો થઈને 56,055 કરોડ થયો છે. કોરોનાકાળ હોવા છતાં રફ ડાયમંડના ઈમ્પોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં પણ ભારે અંતર જોવા મળ્યું છે. વર્ષ 2019 -20માં એક્સપોર્ટ 1,638 કરોડનો હતો. જે 2020-21માં 9,693 કરોડનો થયો છે. એટલે આ વર્ષે 8 હજાર કરોડથી પણ વધુનો ગ્રોથ કોરોનાકાળમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના એક્સપોર્ટમાં થયો છે.
આ પણ વાંચો: મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો
એક્સપોર્ટ વધવાના કારણો:
- આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સારી ડિમાન્ડના કારણે એક્સપોર્ટ વધ્યો છે.
- પાઇપલાઇનમાં જે માલ હતો તેનો પણ નિકાલ થયો છે.
- ચાઇના અને અમેરિકાની ટ્રેડવોરના કારણે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાભ થયો છે.
- સુરતના કસ્ટમ પોર્ટ પર જ્વેલરીના એક્સપોર્ટ અને ઈમ્પોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
- સુરતના કસ્ટમ વિભાગે એક પણ દિવસ કામ અટકાવ્યું નથી.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા MSMEની જે નાણાકીય ભીડ હતી, તેની લોનમાં વગર મોર્ગે પરવાનગી આપી.
બિઝનેસ સુરત ટ્રાન્સફર કરી રહ્યા છે
આ સમગ્ર બાબતે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વેસ્ટ ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્ષ 2019-20માં કેસોમાં વધારો થયો હતો. વચ્ચે સ્થિતિ સુધરી હતી, પરંતુ હાલ પણ મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. આજે પણ ત્યાં બે જિલ્લાઓને સંપૂર્ણ પણે લોકડાઉન કરાયા છે. ભારત ડાયમંડ બુર્સમાં રિસ્ટ્રીકશન આવતું જાય છે અને ભારત ડાયમંડ બુર્સ પર આધારિત છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકાર કોવિડ ગાઇડલાઇનને લઈને નવા નિયમો બહાર પાડે છે. જેથી ત્યાં રહેતા અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલીઓના કારણે હવે લોકો તેમના બિઝનેસ સુરત ટ્રાન્સફર કરી રહ્યા છે. ચોક્કસથી જ્યારે સુરત ડાયમંડ બુર્સ તૈયાર થશે, ત્યારે MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ સુરતથી કરાવશે.