- સુરતના પુણાગામ વિસ્તારની ઘટના
- ભાગ્યોદય જવેલર્સમાં લૂંટ સાથે ફાયરિંગની ઘટના
- બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરીને ફાયરિંગ કર્યું
સુરત: પુણા કુંભારીયા રોડ પર ભૈયાનગર પાસે ભાગ્યોદય જવેલર્સમાં લૂંટ સાથે ફાયરિંગની ઘટના ઘટી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના ભાગ્યોદય જવેલર્સમાં રવિવારે સવારે અચાનક શોરૂમમાં બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરીને ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ ભાગી છૂટયા હતા. ત્યારે ભાગ્યોદય જવેલર્સ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા ગામ પોલીસ DCB, AOG, PCB ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડોગ સ્કોડની મદદ લઇ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન
આ લૂંટ અને ફાયરિંગમાં એક વ્યક્તિને ઇજા પણ પહોંચી છે. ત્યારે તે વ્યક્તિને હાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ લૂંટારૂઓને પકડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. તેમજ આ ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા રૂરલ પોલીસને આપવામાં આવી છે. પોલીસ હાલ ડોગ સ્કોડની મદદ લઇ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.
થોડા દિવસ પહેલા પણ કતારગામમાં 19 લાખની લૂંટ થઇ હતી
સુરતમાં થોડા દિવસ પહેલા કતારગામમાં 19 લાખની લૂંટ થઇ હતી. શહેરમાં હત્યા, લૂંટ, ફાયરિંગ જેવી ઘટનાઓ જાણે કે સામાન્ય થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. સુરત જેમ-જેમ વિકાસ કરી રહ્યું છે. તેમ-તેમ સુરત ક્રાઇમ સિટી પણ બની રહ્યું છે. આ ઘટનાને જોતા હવે સુરત પોલીસ કમિશનર આવી ઘટનાઓને ડામવા માટે કયો નવો એક્સન પ્લાન તૈયાર કરશે તે હવે જોવું રહ્યુ.