- બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ
- સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઈ
- સભામાં વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા
- કારોબારી સહિત 13 સમિતિઓની રચના કરાઈ
બારડોલી: નગરપાલિકાના પાર્કિંગમાં ગુરુવારે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી સહિત 13 સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા સમિતિઓમાં વિપક્ષના એક પણ સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહતું.
આ પણ વાંચોઃ સુરતમાં રમઝાન માસને લઇ પાલિકા કમિશ્નરે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી
કોરોના મહામારીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી શરૂ થઈ સભા
સભાની શરૂઆતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાલિકાના પ્રમુખ ફાલ્ગુની દેસાઈની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્રિમાસિક અને વાર્ષિક હિસાબો મંજૂર
આ સભામાં ખાસ કરીને ઓક્ટોબર 2020થી ડિસેમ્બર 2020, જાન્યુઆરી 2021થી માર્ચ 2021ના ત્રિમાસિક તેમજ એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આણંદ નગરપાલિકાની બીજી સામાન્ય સભામાં કમિટીઓની રચના કરાઇ
વિકાસના કામો અંગે થયા ઠરાવ
આ ઉપરાંત વિકાસના કામો, અલંકારથી અમીરસ હોટેલ સુધીના કેનાલ રોડની સાઈનજ જગ્યા રિડેવલમેન્ટની કામગીરી, નગરમાં CCTV રિપેરીંગ, ચીફ ઓફિસર માટે કવાટર્સ બનાવવા, ફાયર સ્ટેશન, ટાઉનહોલ પર સોલાર પેનલ લગાવવી, યશકમલ સોસાયટીથી ડી.એમ. નગર થઈ એમ. એન. પાર્કને લાગીને આવેલા કોતરનું વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ક્લવર્ટ બનાવવા, ડી.એમ નગર સોસાયટીના નાકે ગરનાળુ બનાવવા અંગે ચર્ચા કરી નિર્ણય કરવા, નગરપાલિકાના તમામ બોર રિચાર્જ કરવા, સુજલામ સુફલામ યોજના હેઠળ મીંઢોળા નદી સ્વચ્છ કરવા સહિતના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરોક્ત વિકાસના કામોને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષ સ્થાને 10 એજન્ડા રજૂ થયા
આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી પણ 10 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા. આ કામમાં ગોવિંદનગરમાં બોર અને બહારનો રસ્તો બનાવવાનું કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2021-22માં મળવાપાત્ર ગ્રાન્ટનું આયોજન, 15 ટકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગત કરવામાં આવેલા આયોજનને બહાલી, એમ.એન.પાર્કને અડીને વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેનેજ, સ્વરાજ આશ્રમ પાછળની દિવાલથી ભૂવનેશ્વરી સોસાયટી સુધી વરસાદી પાણીના નિકાલની RCC લાઈનનું કામના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકાની ટી.પી. સ્કીમ નંબર 6, 7 માટે બુડા દ્વારા પેનલમાં લીધેલ કન્સલ્ટન્ટને કામગીરી સોંપવામાં આવેલી તેને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર 3, 4 અને 5ના ડિમાર્કેશન તથા ટી.પી.ને લગતુ સાહિત્ય માટે નગરપાલિકાના સર્વેયરને વધારાની કામગીરી સોંપવામાં આવી હતી. રહેણાંક મકાનોની આકારણીને મંજૂરી અને નગરપાલિકાની બે કારની હરાજી કરવાનો નિર્ણય સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા ભાજપ મહામંત્રી મેન્ડેટ લઈને પહોંચ્યા
સભામાં કારોબારી સમિતિ સહિત 13 સમિતિઓની રચના અને અધ્યક્ષોની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને સભ્યોનું મેન્ડેટ લઈને સુરત જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ પટેલ અને બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી સભામાં પહોંચ્યા હતા, જેમાં તેમણે સમિતિના અધ્યક્ષો અને સભ્યોના નામની જાહેરાત કરી હતી.
વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી કરાઈ
- કારોબારી અધ્યક્ષ - નીતિન હિરાચંદ શાહ
- જાહેર બાંધકામ સમિતિ - જૈનિષ ઈશ્વર ભંડારી
- ડ્રેનેજ સમિતિ - શૈલેષ બચુ ગામીત
- આરોગ્ય અને અગ્નિશમન સમિતિ - કિશોર મંગા ચૌધરી
- આકારણી સમિતિ - અમિત હિતેશ પટેલ
- પાણી પુરવઠા સમિતિ - મિતા દિલીપ ખત્રી
- રોશની સમિતિ - નીલમ દેવલ વ્યાસ
- વાહન અને પરિવહન સમિતિ - જિગ્નેશ દિપક રાઠોડ
- કેબીન દબાણ સમિતિ - મનીષ જમનાદાસ ભાવસાર
- સાંસ્કૃતિક સમિતિ - શોભના ધનસુખ પટેલ
- મહેકમ સમિતિ - રશ્મિ દત્ત ભટ્ટ
- સમાજ કલ્યાણ - સરલા સુરેશ રાઠોડ
- ગુમાસ્તા ધારા સમિતિ - સરોજ જયેશ પટેલ
સમિતિમાં વિપક્ષના સભ્યોની અવગણના
બારડોલી નગરપાલિકામાં વિવિધ સમિતિની રચના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ મોટા ભાગની સમિતિમાં વિપક્ષના સભ્યોને પણ સ્થાન આપવામાં આવતું હોય છે. પરંતુ ભાજપ મોવડી મંડળે આ વખતે આ પરંપરા તોડી છે અને વિપક્ષના એક પણ સભ્યોને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિપક્ષના સભ્યો પણ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે તેમની અવગણના કરવામાં આવતા વિપક્ષની સાથે સાથે કેટલાક રાજકીય વિશ્લેષકો પણ જિલ્લા ભાજપની નીતિને વખોડી રહ્યા છે.