સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વાર શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. મનપા દ્વારા ઓછું ભોજન મોકલાતા લોકોએ હોબાળો મચાવી પોતાના વતન જવાની માગ કરી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં સોમવારે શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. સિદ્ધાર્થ નગરમાં 5000થી વધુ લોકો રહે છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા 5000ની સામે ફક્ત બે હજાર લોકોનું જમવાનું મોકલવામાં આવ્યું હતું, જેથી બાકીના શ્રમિકોએ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. શ્રમિકો દ્વારા આ મામલાને લઈ હોબાળો મચાવવામાં આવ્યો હતો. અને શ્રમિકોએ માંગ કરી હતી કે તેઓને પૂરતું જમવાનું આપવામાં આવે અથવા તો તેઓને પોતાના વતન મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવે. આ ઘટના બાદ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા જે લોકો ભૂખ્યા હતા તેમના માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.