સુરત: પલસાણા ખાતે આવેલ રતનપ્રિયા મિલમાંથી ગુરુવારના રોજ કાપડના તાકા નીચેથી એક યુવકની દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. આ ઘટના અંગે પોલીસે સીસીટીવી ચેક કરતાં તેની સાથે કામ કરતાં શખ્સે જ તેના પર કાપડના તાકા નાખી હત્યા (Surat Murder Case) કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૃતકની પત્ની સાથે એક તરફી પ્રેમ (Surat Pro-Love Affair)માં હોવાનો ખુલાસો થયો હતો.
અગાઉ પરિણીતાની છેડતીનો પ્રયાસ કર્યો હતો
પલસાણા તાલુકાના ઇટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ પત્ની સાથે રહેતો આકાશ બાબુ રામબહાદુર કોરી (ઉ,વર્ષ 21, મૂળ રહે મધ્યપ્રદેશ) રતનપ્રિય મિલમાં કામ કરતો હતો. તેની સાથે જ લક્ષ્મણ ગિરજાશંકર આરક પણ કામ કરતો હતો. લક્ષ્મણ આકાશ બાબુની પત્નીના એક તરફી પ્રેમમાં હતો અને અગાઉ તેણે તેની પત્નીની છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આથી આકાશ બાબુ અને તેના સગાઓએ તેને ઠપકો આપ્યો હતો. આ ઠપકાની અદાવત રાખી ગત 14મી ફેબ્રુઆરીના રોજ આકાશ બાબુ અને લક્ષ્મણ મિલમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આકાશ કાપડના તાકા નીચે ઊંઘી ગયો હતો. દરમિયાન મોકો જોઈને લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર નાખી દીધા હતા. જેથી આકાશબાબુનું ગૂંગળાય જવાથી મોત થયું હતું.
આ પણ વાંચો: બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા
દુર્ગંધ આવતા તાકા ખસેડયા તો લાશ મળી આવી
ગુરુવારના રોજ કાપડના તાકામાંથી તીવ્ર દુર્ગંધ આવતા કામદારોએ તાકા ખસેડીને જોતાં આકાશ બાબુની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને શંકા જતાં મિલમાં લગાવેલ સીસીટીવી કૅમેરાના ફૂટેજ (Cctv footage of surat murder case) ચેક કરતાં જાણવા મળ્યું હતું કે આકાશ બાબુ ઊંઘતો હતો ત્યારે લક્ષ્મણ તેના પર કાપડના તાકા નાખી રહ્યો છે.
ઠપકો આપતા હત્યા કરી હોવાની કબૂલાત
પોલીસે લક્ષ્મણને પકડી તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતું કે, તે આકાશબાબુની પત્નીને એક તરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો. આથી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પલસાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એસ.એમ.પટેલે જણાવ્યુ હતું કે, ઘટનાની જાણ થતાં મૃતક આકાશબાબુના માતાપિતા આજે જ વતન મધ્યપ્રદેશથી આવ્યા છે. પિતા રામબહાદુરની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ કરવામાં આવશે.